હું કોઈ વાતને લઈને દુ:ખી થવા માંગતો નથી, ક્રિકેટર ઇશાન કિશન

ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ અને બીસીસીઆઇ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ ઈશાન કિશનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ઈશાન કિશને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ તેના માટે મુશ્કેલીઓથી ભરેલા હતા. તેણે કહ્યું કે તેની સાથે જે પણ થયું તે તેને આશ્ર્ચર્યમાં મૂકે છે કે તેની સાથે આ બધું કેમ થયું. કિશને કહ્યું કે તેના પરિવાર અને મિત્રો સિવાય તેનું દુ:ખ કોઈ સમજી શક્યું નથી.

ભારતીય ટીમના શાનદાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ટીમમાંથી બહાર થયા બાદ અને બીસીસીઆઈ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ પહેલીવાર આ અંગે વાત કરી છે. ઇશાન કિશને માનસિક થાકને કારણે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી વિરામ માંગ્યો હતો અને ત્યારથી તે ટીમમાં પાછો ફર્યો નથી. જોકે તે આઇપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમ્યો હતો, તેમ છતાં તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસ માટે તેની પસંદગી થઈ ન હતી.

ઇશાન કિશને ભારતીય ટીમમાંથી બહાર રહેવા અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અવગણના થવા અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. જ્યારે તેને ભારતીય ટીમમાંથી બહાર થવા અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અવગણવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે ઈશાને કહ્યું, ‘હું કોઈ વાતને લઈને દુ:ખી થવા માંગતો નથી. હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ. વિકેટકીપર બેટ્સમેને સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ તેની તરફેણમાં નહોતા અને જે બન્યું તેનાથી તેને આશ્ર્ચર્ય થયું કે તેની સાથે આ બધું કેમ થયું.