અમેરિકામાં ફરી ફાયરિંગ: વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબારમાં 10નાં મોત, હુમલાખોર પણ ઠાર

  • અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની મોટી ઘટના
  • વર્જીનિયામાં બની ગોળીબારની ઘટના 
  • ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની મોટી ઘટના સામે આવી છે. ગોળીબારની આ ઘટના વર્જીનિયામાં બની હતી. વોલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના અંગે શહેરના અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાના વર્જીનિયા રાજ્યના વોલમાર્ટ સ્ટોરમાં એક બંદૂકધારીએ ગોળી મારીને અનેક લોકોની હત્યા કરી છે, તેમજ ગોળીબાર કરનાર શૂટર પણ માર્યો ગયો છે. તેમણે કહ્યું કે “ચેસાપીક પોલીસે સેમ સર્કલ પર સ્થિત વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબારની મોટી ઘટનાની પુષ્ટિ કરી છે.”

મહત્વનું છે કે, બે દિવસ પહેલા પણ રવિવારે અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સમાં ગે નાઈટ ક્લબમાં ફાયરિંગની ઘટના બની હતી. નાઈટ ક્લબ ફાયરિંગમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે ઘટના બાદ એક શંકાસ્પદની અટકાયત કરી હતી. હુમલામાં ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નોંધનીય છે કે, દોઢ વર્ષ પહેલાં એક નાઇટક્લબમાં ગોળીબારમાં પાંચ લોકોની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલ એન્ડરસન લી એલ્ડ્રિચે તેની માતા પર ક્રૂડ બોમ્બ વડે હુમલો કરવાની ધમકી આપી હતી.  જેનાથી નજીકના ઘરો ખાલી કરાવવાની સૂચના આપી હતી. ઘટના અંગે અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને બોમ્બ વિરોધી ટુકડીએ બાદમાં એલ્ડ્રિચને આત્મસમર્પણ કરવા માટે રાજી કર્યા હતા. જોકે આ ઘટના હોવા છતાં પરિવારને બંધક બનાવવા કે ધમકી આપવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનો કોઈ રેકોર્ડ નથી.