કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. ખાસ કરીને આ વખતે જમ્મુ પ્રાંતમાં આતંકી ઘટનાઓ વધુ થવા પામી છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં સામેલ સુરક્ષા એજન્સીઓને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ મળ્યા છે. ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, જમ્મુ ક્ષેત્રમાં થયેલ તમામ આતંકી ઘટનાઓ પાછળ લશ્કર-એ-તૈયબાના પ્રશિક્ષિત આતંકવાદી સાજીદ સફીઉલ્લાહ જટ્ટનો હાથ છે.
ગુપ્તચર સંસ્થાઓને મળેલ ઈનપુટ અનુસાર સાજીદ જટ્ટ હાલમાં પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં પોતાના બેઝ કેમ્પમાં રહે છે. સાજીદ જટ્ટ લાંબા સમયથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય છે. તેની ભારતીય મૂળની પત્ની પણ તેની સાથે ઈસ્લામાબાદમાં જ રહે છે. એવું માનવામાં આવે છે કે સાજિદ ગયા મહિને રિયાસીમાં શિવખોડીના શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો, આ હુમલામાં ૯ લોકો માર્યા ગયા હતા અને ૪૧ લોકો ઘાયલ થયા હતા.
ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યાનુંસાર, સાજિદ જટ્ટ હાલમાં લશ્કર-એ-તૈયબા માટે આતંકીઓની ભરતીનું કામકાજ સંભાળી રહ્યો છે. જ્યારે, સરહદ પારથી ભારતમાં આતંકવાદીઓને ઘુસાડવા માટે લશ્કર એ તૈયબાનું કાર્ય પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. સાજિદ જટ્ટ વિશે કહેવાય છે કે તે લશ્કર એ તૈયબાનો ઓપરેશનલ કમાન્ડર પણ છે.
લશ્કર એ તૈયબા, ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યું છે અને ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે તેમને આથક મદદ પણ કરી રહ્યું છે. લશ્કર એ તૈયબાએ ભારતમાં આતંકવાદી પ્રવૃતિ માટે ટેરર ફંડિંગની જવાબદારી પણ સાજિદને સોંપી છે. સાજિદ જટ્ટ છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ કાશ્મીરના ખીણ પ્રદેશમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલો છે.
ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, સાજિદનો એક સહયોગી કાસિમ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં હાલ સક્રિય છે અને સુરક્ષા દળો દ્વારા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ સાજિદ જટ્ટ પર રૂપિયા ૧૦ લાખનું ઈનામ જાહેર કર્યું છે. તેનું નામ એનઆઇએની વોન્ટેડ લિસ્ટમાં નોંધાયેલું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, સાજિદ જટ્ટ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાસુર જિલ્લાના શાંગામંગા ગામનો મૂળ રહેવાસી છે. સાજિદના કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે ગાઢ સંબંધો છે