સ્વતંત્રતા બાદ સૌથી કલ્યાણકારી પ્રસંગ બન્યો હોય તો એ છે ભારતનું બંધારણ!!

મહાભારતમાં ભિષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે, ધર્મની ગતિ અતિ ન્યારી છે, એને કોણ જાણી શક્યું છે! પ્રમાણિક પ્રયાસ મહત્વનો છે. ગાંધીજીએ જાહેરમાં કહ્યુ છે કે, મારા શબ્દો જે સ્વતંત્ર રીતે વિચારી નથી શક્તા એમના માટે છે. જે વિચારી શકે તેમણે પોતાના અંતરનાદને અનુસરવું.જગતમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ઈશ્વરની હાજરી ન હોય અને આપવાનો ય આનંદ હોય.ઈશ્વર બધામાં છે, સર્વત્ર છે એની અનુભૂતિ કર્યાં પછી કઈપણ ખોટું કરવાનું મન થાય એ શક્ય બનવું અઘરું છે. આપવાનો આનંદ જે એકવાર ચાખી જાય એ પછી આનંદોત્સવનો ત્યાગ કેવીરીતે કરી શકે! એકલા આનંદ કરવા કરતા બીજાને ય આનંદ કરાવવાની ઈશાવાસ્ય વૃત્તિ કેળવવા જેવી ખરી. આવી વૃત્તિ કેળવાઈ હોય એને સ્વતંત્રતાની વ્યાખ્યા શિખવાની જરૃર ન રહે! ભારતની સ્વતંત્રતા બાદ જો કોઈ સૌથી કલ્યાણકારી પ્રસંગ બન્યો હોય તો એ છે ભારતનું બંધારણ. બંધારણ વીતેલી સદીની શકવર્તી ઘટના હતી. એના ફળો આજે ય ચાખવા મળે છે.

એક વાત તો દરેકે સ્વીકારવી જ પડે કે એ સમયે ભારતની રાજનીતિમાં જેટલી નીતિ હતી એટલી આજે તો નથી. ધીમેધીમે ગાંધીજીનો પ્રભાવ ઓસરતો ગયો અને સ્વતંત્રતા જોખમાતી ચાલી. સ્વતંત્રતા મળી ગયા પછી ય એને જાળવવા નીતિવાન લોકોની જરૃર પડશે એ વાત ધીમેધીમે ભુલાતી ચાલી. ચરખો તો ખાલી સ્વનિર્ભર થવાનું એક માત્ર સાધન હતુ, પણ સર્વધર્મ સમભાવનો વિચાર સનાતન ધર્મની દેન છે એ માનવું આજના સમયમાં મુશ્કેલ છે. સર્વનો સ્વિકાર જ હોય, કારણ કે ઈશ્ર્વરનો આવાસ સર્વમાં છે એવું જ ઈશોપનિષદનો મંત્ર કહે છે. ભારતનું બંધારણ ઉપનિષદોના મંત્રોની કક્ષા પામ્યું. એમાય મૂળભૂત હકોનું અભયદાન માનવતાનું સર્વાંગ સુંદર દર્શન છે. આ અધિકારોને અદાલતનું રક્ષણ મળ્યું જેથી કોમનમેનના કલ્યાણની કલ્પનાનું રાજ્ય રોપી શકાય. ધીમેધીમે એ સ્વતંત્રતા ઓશીયાળી થતી ગઈ. હવે સમુદાયના શીરે પોતાની સ્વતંત્રતા સાચવવાની જવાબદારી વધુ છે. ઈમરજન્સી એ સ્વતંત્ર ભારતના ઈતિહાસનો ગ્રે શેડ ગણાય કારણ કે એ સમયે સ્વતંત્રતાએ ઘુટણીયા ટેકવા પડયા. ફરી એ ઈતિહાસ પુનરાવર્તન ન પામે એ જોવાની જવાબદારી ય જનતાની જ ગણાય. મનુભાઈ પંચોળીએ એ સમયમાં ’સૉક્રેટિસ’ નામની નવલકથા લખી હતી. લોકશાહીના ભયસ્થાનો સમજવા હોય તો સૉક્રેટિસનો અભ્યાસ કરવો પડે.

ચાણક્યના અર્થ શાસ્ત્ર માં એક અદ્બૂત શ્લોક છે. ધર્મનું મૂળ અર્થમાં છે. એટલે કે પૈસા હોય તો પુન્ય કરવામાં સરળતા રહે. અર્થનું મૂળ વાણીજ્યમાં છે. બીઝનેસ કરે તો પૈસો આવે. વાણીજ્યનું મૂળ સ્વાતંર્ત્યમાં છે. સ્વતંત્રતા હોય તો જ સારી રીતે વેપાર ધંધો કરી શકાય. સ્વતંત્રતા એને જ અપાય જે ચારિર્ત્યવાન હોય. પાણી પહેલા પાળ બાંધવાની તાતી જરૃરીયાત છે. આપણે કેવું ભારત જોઈએ છીએ! ક્રિયાની સામે પ્રતિક્રિયાનું ઝેર શમાવવું પડશે. અસહિષ્ણુતામાં ઘટાડો કરવો પડશે. સર્વને સન્માન આપીએ. ઈશ્ર્વર તો એક જ છે. સ્વતંત્રતાની વ્યાખ્યા ખુબ જ સાદી છે: પોતાની મરજી મુજબ વર્તવાની છૂટ, પણ શરત એટલી કે એમાં બીજાની સ્વતંત્રતા જોખમાવી ન જોઈએ. અભિવ્યક્તિની આઝાદી બધાને મળવી જોઈએ. સવાલ પૂછવાની છૂટ દરેકને હોવી જોઈએ. બહુમતી સાચી જ હોય એ જરૃરી નથી. સો મૂર્ખાઓ કરતા એક પંડિતનો મત વધારે યોગ્ય ગણાય. બહુમતી હોય એટલે સત્ય એની સાથે જ હોય એવું જરૃરી નથી. સત્યને બહુમત સાથે કોઈ લેવાદેવા નથી.