રિયાન પરાગ ડેબ્યુ કરતા જ ભારત તરફથી રમનાર નોર્થ ઈસ્ટનો પ્રથમ ક્રિકેટર બન્યો

ઝિમ્બાબ્વે સામેના પહેલા ટી ૨૦ મુકાબલામાં ભારતીય ટીમની ૧૩ રને હાર થઈ છે. ભારતીય ટીમ ભલે હારી પણ આ સાથે રિયાન પરાગે ઇતિહાસ રચ્યો છે.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રિયાન પરાગ ડેબ્યુ કરતા જ ભારત તરફથી રમનાર નોર્થ ઈસ્ટનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. તેણે શનિવારે હરારેમાં શ્રેણીની પ્રથમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. જો કે તે પોતાની ડેબ્યૂ મેચમાં લોપ રહ્યો. તે ૩ બોલમાં માત્ર ૨ રન બનાવીને આઉટ થયો. તેના પિતાએ તેને ડેબ્યૂ કેપ આપી હતી. આઈપીએલ ૨૦૨૪ અને સ્થાનિક ક્રિકેટમાં ધમાલ મચાવનાર રિયાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

રિયાન પરાગ ૨૦૧૮માં અંડર-૧૯ વર્લ્ડ કપમાં રમ્યો હતો. તે અંડર-૧૯ વર્લ્ડ કપમાં રમનાર નોર્થ ઈસ્ટનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. રિયાનના પિતા પરાગ દાસ આસામ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. તેના પુત્રને ડેબ્યુ કેપ પહેરાવવી તે તેમના માટે ભાવનાત્મક ક્ષણ હતી. પિતાનું સ્વપ્ન સાકાર થયું છે. થોડાં વર્ષો પહેલાં તેમણે જોયેલું સપનું આજે સાકાર થતું જોઈને રિયાનના પિતા ખૂબ જ ખુશ હતા.

રિયાન પરાગે આઇપીએલ ૨૦૨૪માં શાનદાર બેટિંગ કરી હતી. આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના આધારે તેણે રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી હતી. ૨૨ વર્ષના રિયાન પરાગે છેલ્લી આઇપીએલમાં ૧૫ મેચમાં ૫૭૩ રન બનાવ્યા, જેમાં ૪ અડધી સદી સામેલ હતી. રેયાન આક્રમક બેટિંગ કરે છે.