યુપી-બિહારમાં વરસાદ આફત બન્યો ,અનેક રાજ્યો માટે એલર્ટ જારી

સમગ્ર દેશમાં વરસાદને કારણે સ્થિતિ દયનીય છે. ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે. આ ઉપરાંત વીજળી પડવાથી પણ અનેક લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદથી રાહતના કોઈ સંકેત દેખાતા નથી. દિલ્હી, યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં હજુ પણ વરસાદની સંભાવના છે. વરસાદના કારણે યુપીમાં ૨૪ કલાકમાં ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં પણ મૃત્યુઆંક ૯ પર પહોંચી ગયો છે. આ સિવાય ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે. આ સિવાય યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.યુપી ઉપરાંત બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ઘણી નદીઓમાં ઉછાળો આવ્યો છે. અહીંના લોકોને સલામત સ્થળે જવા અને નદીઓ અને નાળાઓની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે યુપીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૨૪ કલાકમાં ૧૩ લોકોના મોત થયા છે. રાહત કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફતેહપુરમાં વીજળી પડવાને કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. નિવેદન અનુસાર, રાયબરેલી જિલ્લામાં વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ વરસાદ સંબંધિત ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે બુલંદશહર, કન્નૌજ, મૈનપુરી, કૌશામ્બી, ફિરોઝાબાદ, પ્રતાપગઢ, ઉન્નાવ અને મૈનપુરી જિલ્લામાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે.