ઝારખંડના દેવઘર જિલ્લામાં રવિવારે સવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. સુત્રોના જણાવ્યા અનુસાર છ લોકોના મોત નિપજયા છે. આ ઘટના સવારે ૬ વાગ્યાની આસપાસ બની હતી. કાટમાળમાંથી ચાર લોકોને બચાવી લેવાયા છે. બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબે પણ ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હાલમાં રાહત ટીમ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
દેવઘર સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર રિત્વિક શ્રીવાસ્તવે જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને દેવઘર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા એનડીઆરએફના નિરીક્ષક રણધીર કુમારે જણાવ્યું હતું કે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
નિશિકાંત દુબેએ ’એકસ’ પર લખ્યું, ’દેવઘરમાં આજે સવારે ૬ વાગ્યાની આસપાસ બંબમ ઝા પાથ પર ત્રણ માળનું મકાન ધરાશાયી થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક એક ટીમ મોકલી. સવારથી હું ખુદ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક લોકો સાથે ઘટના સ્થળે હાજર છું. સ્થાનિક લોકોએ અત્યાર સુધીમાં ત્રણ લોકોને બચાવ્યા છે અને એનડીઆરએફએ એક મહિલાને બચાવી છે. બચાવ કાર્ય ચાલુ છે. દેવઘર એમ્સએ ઘાયલો માટે સારવારની સુવિધા બનાવી છે.
નિશિકાંત દુબેએ જણાવ્યું કે આવી જ મોટી ઘટના ૮-૧૦ વર્ષ પહેલા શ્રાવણી મેળામાં બની હતી. ત્યારથી એનડીઆરએફની ટીમ હંમેશા દેવઘરમાં તૈનાત રહે છે. આ જ કારણ છે કે આજે બચાવ કામગીરી વહેલી શરૂ કરવામાં આવી છે. દરમિયાન, એનડીઆરએફના નિરીક્ષક રણધીર કુમારે જણાવ્યું હતું કે એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે, જ્યારે કેટલાક અન્ય લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
દેવઘરના જિલ્લા કલેક્ટર વિશાલ સાગરે જણાવ્યું કે અહીં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ છે. આ અંગેની માહિતી મળતા જ એનડીઆરએફની ટીમને તાત્કાલિક અહીં મોકલવામાં આવી હતી. અમે અહીંથી ૨ લોકોને બચાવ્યા છે અને તેમને સદર હોસ્પિટલમાં મોકલ્યા છે. માહિતી મળી છે કે કેટલાક વધુ લોકો ફસાયા છે, તેથી બચાવ કામગીરી ચાલી રહી છે. મને મળેલી પ્રાથમિક માહિતી મુજબ અહીં કેટલાક બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. શક્ય છે કે ઘર એટલું મજબૂત ન હોય, જેના કારણે ઘર તૂટી પડ્યું. આ મામલાની તપાસ કરવામાં આવશે, પરંતુ અત્યારે અમારી પ્રાથમિક ચિંતા લોકો અને તેમના જીવનને બચાવવાની છે.