નવીદિલ્હી,
પદભાર સંભાળીને તરત જ ખડગે ચૂંટણીપ્રચારમાં લાગી ગયા હોવા છતાં, ૨૪ અકબર રોડ સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં પરિવર્તનના એક મહિના પછી ગાંધી પરિવારનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ મુખ્યાલયના સત્તાવાર હોડગ બોર્ડમાંથી હજુ પણ ખડગેનો ફોટો ગાયબ છે. તેમનો ફોટો પાર્ટીના મુખ્ય પદાધિકારીઓના રૂમમાં હજુ સુધી લગાવવામાં આવ્યો નથી. જ્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું અથવા જ્યારે રાહુલ ગાંધી મહાસચિવ બન્યા અને પછી પક્ષના વડા બન્યા ત્યારે આવું બન્યું ન હતું.
કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી તરત જ ખડગેએ તેમના ઘરે મુલાકાતનો સમય આપીને નેતાઓ અને કાર્યકરોને મળવાનું શરૂ કર્યું. તેમણે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લીધો હતો. તેમણે સવારે ૧૧ થી ૧ વાગ્યાની વચ્ચે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં એપોઇન્ટમેન્ટ વગર કાર્યકરોને મળવાનું શરૂ કર્યું છે.
પાર્ટીના નેતાઓએ કહ્યું કે ૨૦૧૯માં રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ, બેઠકોની આ પ્રક્રિયા અટકી ગઈ હતી. કોંગ્રેસના સાંસદ અને ખડગે સાથે સંકળાયેલા સંયોજક નાસિર હુસૈને જણાવ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આ રીતે કાર્યકરોને સતત મળતા હતા. પરંતુ કોરોનાના કારણે આ બધું બંધ થઈ ગયું. તે ફરી શરૂ થઈ ગયું છે અને લોકો કોઈ પણ પૂર્વ એપોઈન્ટમેન્ટ વગર મળી શકે છે.