
પરથમપુર પ્રાથમિક શાળા તા. ઝાલોદ જી. દાહોદમાં બાળસંસદ ચૂંટણી માટે તા. 28 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને તા. 05/07/24ના રોજ બાળસંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોની, બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ એટલે બાળસંસદ.. બાળ સંસદ માટેના ફોર્મ ભરવા, ફોર્મ પરત ખેંચવા, ફોર્મ રદ થવા અંગે અને સમગ્ર ચુંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. શાળા મહામંત્રી માટે કુલ અગિયાર ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા તેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને એક ફોર્મ રદ થયેલ હતા. છેલ્લે મહામંત્રી માટે NOTA સહિત 9 ઉમેદવાર રહ્યા હતા. મહામંત્રીના ઉમેદવારો દ્વારા પોતાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે વિદ્યાર્થીઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. શાળામાં બાળસંસદ ચૂંટણી વોટિંગ મશીન એપ દ્વારા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ દ્વારા યોજવામાં આવી હતી. મતદાન અધિકારી તરીકે શાળાના વિદ્યાર્થી સિદ્ધાર્થ, પ્રિયાંક, પ્રિતેશ, રોનક અને મહિલા મતદાન અધિકારી તરીકે મહર્ષિ અને સોનલ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.
બાળસંસદ ચુંટણીમાં મતદાન સહાયતા કેન્દ્ર વડે મતદારોને મતદાર યાદીમાં તેમનો અનુક્રમ જાણવામાં મદદ કરી હતી. સુરક્ષા અધિકારી તરીકે રાજેન્દ્ર અને શિવરાજ દ્વારા કામગીરી કરવામાં આવી. ચૂંટણીની શરૂઆત તમામ ઉમેદવારોની હાજરીમાં મોકપોલ કરી પછી મતદાન કરવામાં આવ્યું. શાળાના ધોરણ ત્રણથી આઠના હાજર તમામ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. મત ગણતરી કરતાં નવ ઉમેદવારોમાંથી ધોરણ આઠના વિદ્યાર્થી હઠીલા યુવરાજભાઈ કલ્પેશભાઈએ કુલ 243 મતમાંથી 105 મત મેળવીને વિજેતા થયા હતા અને મહામંત્રી તરીકે પસંદગી પામ્યા. મહામંત્રી તરીકે વિજેતા થનાર યુવરાજભાઈને શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ હાર પહેરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. પરથમપુર બાળસંસદ ચૂંટણીનું સમગ્ર આયોજન શાળાના સામાજીક વિજ્ઞાન શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તમામ શિક્ષકોએ ચુંટણી કામગીરીમાં મદદ કરી. બાળસંસદ ચુંટણીને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળસંસદ ચુંટણીમાં ભાગ લેનાર તમામને શાળાના આચાર્યએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.