પ્રતિયોગી પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપરો લીક થવાના કિસ્સા પહેલાં પણ સામે આવ્યા હતા, પરંતુ આ વખતે જે રીતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ દ્વારા કરાવાતી કેટલીય પરીક્ષાઓ અને વિશેષ રૂપે મેડિકલ કોલેજોમાં પ્રવેશની પરીક્ષા એટલે કે નીટમાં ગરબડ અને અવ્યવસ્થાએ ગંભીર રૂપ લઈ લીધું, તે ચિંતાની વાત છે. વાસ્તવમાં પરીક્ષાઓની વિશ્વસનીયતા પર શંકા પેદા થવી રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. સરકારે કેટલાંક તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. એનટીએના ઉચ્ચાધિકારીને હટાવી દેવાયા છે, નીટ પેપર લીક કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે અને તેણે કેટલાય લોકોની ધરપકડ કરી છે. પ્રતિયોગી પરીક્ષાઓના પ્રશ્ર્નપત્ર લીકથવાથી રોકવા માટે એક નવો કાયદો પણ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ શું આ પગલાં છાત્રો અને વાલીઓની પરેશાની દૂર કરી શકશે?
આ તમામ પગલાં સંતોષની વાત હોઇ શકે, પરંતુ આ કવાયત માત્ર રોગનાં લક્ષણોનો ઉપચાર કરવા સમાન છે. મૂળ સમસ્યા ક્યાંય વધુ વકરેલી છે, જેને રાજનીતિથી ઉપર ઊઠીને જોવાની જરૂર છે. એટલા માટે, કારણ કે રાજ્ય સરકારો તરફથી આયોજિત પ્રતિયોગી પરીક્ષાઓના પ્રશ્ર્નપત્રો પણ લીક થતા રહે છે અને તેનાથી પણ લાખો છાત્ર પ્રભાવિત થયા છે. સંસદમાં તમામ પક્ષોના જવાબદાર નેતાઓએ મળીને એના પર વિચાર કરવો જોઇએ. આ વિષયને પક્ષીય રાજનીતિની ઉઠાપટકથી અલગ રાખીને ગહન મંથનથી જ સમાધાન મળી શકશે. તેમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ ગંભીરતા દેખાડવી પડશે. બધા પક્ષોએ વિશષ કરીને સત્તારૂઢ પક્ષે દેશના સૌથી ગંભીર પ્રશ્ર્નો પર પક્ષીય દાયરાથી બહાર આવીને વિચાર-વિમર્શની મર્યાદા બનાવવી જોઇએ. શિક્ષણ અને સંસ્કૃતિ એવા જ વિષયો છે.
શિક્ષણ, પરીક્ષા અને પ્રતિભાઓની પસંદગી-પ્રશિક્ષણ અને સુયોગ્ય યુવાઓને યોગ્ય સ્થાન આપવું દેશના પ્રત્યેક વર્ગના હિતમાં છે. તમામ પક્ષોના નાના-મોટા નેતાઓ, કાર્યર્ક્તાઓના બાળબચ્ચાં, સંબંધી, મિત્ર-પડોશી પણ તેનાથી પ્રભાવિત થાયછે. તેથી કોઇપણ ભોગે આવી સમસ્યાઓને પક્ષોનો મુદ્દો બનાવવો બુદ્ઘિમાની નથી. શિક્ષણને રાષ્ટ્રીય મહત્ત્વનો વિષય માનવો તેની સાથે જોડાયેલી સમસ્યાઓના વાસ્તવિક અને સચોટ સમાધાન માટે એક પૂર્વનિર્ધારિત શરત જેવું છે. આટલા મોટા પાયે અને જાતજાતની પ્રતિયોગી પરીક્ષાઓનું આયોજન એક જ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવામાં કેટલીય સમસ્યાઓ જોડાયેલી છે. દેશભરમાં હજારો લોકોની ભાગીદારીથી જ તેનું આયોજન થાય છે.
જો એવાં કામોમાં કોઈ પવિત્રતાની ભાવના ન હોય તો જાતજાતના સ્વાર્થી લોકો તેને પણ અન્ય વેપાર-ધંધાની જેમ એક લાભનો વ્યવસાય માની લે છે. સેંકડો પરીક્ષા કેન્દ્રોમાં જો બે-ચાર જગ્યાએ પણ કદાચાર થયો હોય તો અસંખ્ય છાત્રોના પરિશ્રમ, પ્રતિભા અને વિશ્વાસ સાથે રમત થાયછે. આ જ પ્રકારે, આ એક સામાન્ય સામાજિક ચરિત્રહીનતાનો મામલો પણ બને છે, જેને માત્ર કઠોર કાયદાના ભરોસે ઠીક કરવાનો પ્રયાસ કારગત નહીં નીવડે.
ડો.આંબેડકરે દેશના બંધારણના લોકાર્પણના અવસરે બહુ સારગભત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ગમે તેવું ઉત્તમ બંધારણ કે વિધાન કેમ ન બનાવી લેવાય, તેનું પરિણામ એ લોકોના ચરિત્ર અને યોગ્યતા પર નિર્ભર કરશે, જેઓ તેને લાગુ કરશે અને કરાવશે. આ અમૃત વચનને આપણા નેતાઓ અને નીતિ નિર્માતાઓએ હંમેશાં ગાંઠે બાંધી લેવું જોઇએ. તેમણે સમજવું પડશે કે દરેક મહત્ત્વપૂર્ણ સ્થાન, સંસ્થા અને એજન્સીનાં કાર્ય ત્યારે જ ઉત્તમ સ્તરનાં હશે, જ્યારે સર્વોત્તમ અને સુયોગ્ય વ્યક્તિઓને તેની જવાબદારી આપવામાં આવે.
તેનું શિક્ષણ ક્ષેત્રમાં સર્વાધિક ધ્યાન રાખવું જરૂરી છે, જેનાથી અંતે તમામ અન્ય ક્ષેત્ર સ્વત: પ્રભાવિત થાય છે. વિદેશમાં ભારતની છબિ પણ તેની સાથે જોડાયેલી છે. જોકે દેશમાં પણ સારી સ્કૂલી શિક્ષા, બહેતર ઉચ્ચ શિક્ષણ અને ઉત્તમ પ્રશિક્ષણની સંસ્થાઓથી જ દરેક ક્ષેત્રને પોતાના અધિકારી અને કર્મચારી મળે છે, તેથી આપણે વધુ સતર્ક રહેવું પડશે.