ભાજપે મને ૭ કરોડની ઓફર આપી, પુરાવા આપવા પણ તૈયાર: આમ આદમી પાર્ટી નેતા

સુરેન્દ્રનગર,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણ ગરમાઈ રહ્યુ છે. રાજકીય પક્ષોના એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર સતત ચાલુ છે. આ ક્રમમાં હાલમાં આમ આદમી પાર્ટીના એક નેતાઓ દાવો કર્યો છે કે ભાજપે તેમને ૭ કરોડ રુપિયાની ઑફર આપી છે.

ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવીને કહ્યુ છે કે મને ભાજપના નેતાએ ૭ કરોડની ઑફર કરી હતી અને આના માટે હું પુરાવા આપવા માટે પણ તૈયાર છુ.મૂળી તાલુકાના દાણાવાડા ગામમાં પ્રચાર કરતી વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ ભાજપ આક્ષેપો કર્યા હતા. નોંધનીય છે કે રાજુ કપરાડા ખેડૂત આંદોલન લઈને ચર્ચામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. આપ ઉમેદવાર રાજુ કરપડાએ જણાવ્યુ કે તેમને ભાજપ દ્વારા ૭ કરોડની ઑફર આપવામાં આવી હતી. જેના પુરાવા તેમની પાસે છે. તેમણે કહ્યુ કે તે ભાજપની ઑફર ઠુકરાવીને આવ્યા છે. તેમણે શરત મૂકી કે જો તમે ગામે-ગામ ખેડૂતોને પાણી પહોંચાડી દેશો તો આજીવન હું ચૂંટણી નહિ લડુ. રાજુ કરપડાએ કહ્યુ કે છેલ્લા ૭ વર્ષથી અમે ખેડૂતો માટે લડી રહ્યા છીએ. હવે તમારે ૧ ડિસેમ્બરે યાદ રાખવાનુ છે કે તમારા માટે લડનાર રાજુ કરપડા એકલો ના પડી જાય.

દાણાવાડા ગામે સભા સંબોધન દરમિયાન કરેલા ગંભીર આરોપોથી રાજકારણ ગરમાયુ છે. સુરેન્દ્રનગરના ચોટીલાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ સતત આરોપ લગાવ્યા કે ભાજપે ફોર્મ પાછુ ખેંચવા માટે તેમને સાત કરોડની ઑફર કરી હતી અને તેઓ આ ઑફર ઠુકરાવીને પાછા આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ વખતે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે.