રોહિત,વિરાટ,જાડેજા પછી જસપ્રિત બુમરાહ પણ નિવૃત્તિ લેશે?

ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. બુમરાહનું આ નિવેદન રોહિત, વિરાટ અને જાડેજાના નિવૃત્તિ બાદ આવ્યું છે.

જસપ્રિત બુમરાહે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ નું ટાઇટલ જીતવામાં ભારતીય ટીમ માટે મોટો ફાળો આપ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં ૮.૨૭ની એવરેજથી ૧૫ વિકેટ લીધી હતી અને માત્ર ૪.૧૮ની ઈકોનોમીથી રન ખર્ચ્યા હતા. આ શાનદાર પ્રદર્શન માટે બુમરાહને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. હવે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ બુમરાહે તેની નિવૃત્તિ વિશે વાત કરી.

ટી ૨૦ ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. આ પછી રોહિત શર્માએ ટી ૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ એક દિવસ બાદ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ટી ૨૦ ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું. હવે ૩૦ વર્ષીય બુમરાહે પણ નિવૃત્તિની વાત કરી છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત સન્માન સમારોહમાં બુમરાહે નિવૃત્તિ વિશે કહ્યું, “હજી તો લાંબી મજલ બાકી છે. મેં હમણાં જ શરૂઆત કરી છે. મને આશા છે કે તે હજુ દૂર છે.” બુમરાહે સ્પષ્ટ કર્યું છે કે તેનો અત્યારે કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.

વિરાટ કોહલીએ સન્માન સમારોહમાં જસપ્રીત બુમરાહની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે બુમરાહને રાષ્ટ્રીય ખજાનો અને વિશ્ર્વની ૮મી અજાયબી ગણાવી હતી. કોહલીએ કહ્યું કે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૩૦ બોલમાં ૩૦ રનની જરૂર હતી, ત્યારે બુમરાહના શાનદાર પ્રદર્શને ભારતને જીત અપાવી.

ઉલ્લેખનીય છે કે બુમરાહ એવો ખેલાડી છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તે ૩૬ ટેસ્ટ, ૮૯ વનડે અને ૭૦ T20આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં ૧૫૯ વિકેટ, વનડેમાં ૧૪૯ વિકેટ અને ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ૮૯ વિકેટ લીધી છે. તેણે જાન્યુઆરી ૨૦૧૬માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં, બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય ઝડપી બોલર છે.