અમદાવાદમાં ઝવેરીની દુકાનમાંથી ૧૪ લાખ રૂપિયાના ઝવેરાતની ચોરી

અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે જ્વેલર્સની દુકાનમાંથી રૂપિયા ૧૪ લાખની ચોરી થયાનું ખુલતા વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વિશાલા સર્કલ પાસે આવેલા એક જ્વેલર્સમાં કામ કરતા યુવક જ જ્વેલર્સમાંથી ૧૦ જેટલી સોનાની ચેઈન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સોનાની ચેઈનની કિંમત અંદાજે રૂપિયા ૧૪.૭૧ લાખ થાય છે. મેનેજરે સ્ટોક ગણતરી વખતે જાણ થતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરમાં અબ્દુલ શેખ વિશાલા સર્કલ પાસે આવેલ અલ મુકામ કોમ્પલેક્ષમાં જે.બી. જ્વેલર્સમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. મંગળવારે બપોરે જ્વેલર્સમાં હાજર હતા ત્યારે કામ કરતા કર્મી સાહીલખાને જણાવ્યું હતું કે, આપણા ત્યાં કામ કરતા ધર્મેશભાઈ મોરી સોનાની ચેઈન ટેગ વગર ગણાવે છે. આથી આ બાબતે શંકા જતા તપાસ કરાવી ત્યારે ધર્મેશે ૧૦ સોનાની ચેઈન જેની કિંમત રૂ.૧૪.૭૧ લાખ થાય છે તે જ્વેલર્સમાં જાણ કર્યા વગર જ પોતાની પાસે રાખીને લઈ ગયા હતા. જેથી અબ્દુલભાઈએ આ મામલે જવેલર્સના માલિકને ફોન કરીને ધર્મેશે ચોરી કરી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.