અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની ’નેત્રોત્સવ વિધિ’ કરાઇ

શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રા સાતમી જુલાઈએ રવિવારે નીકળવાની છે. તે પહેલા આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિની સાથે ગજરાજ પૂજન પણ કરાવામાં આવ્યું છે. આ સાથે ધ્વજારોહણ અને મહાઆરતી પણ કરવામાં આવી છે. નોધનીય છે કે, મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.

જગન્નાથ મંદિરના મહારાજ દિલીપદાસજીએ જણાવ્યુ છે કે, આજે સંતો અને ધર્મપુરુષો દ્વારા જગન્નાથ મંદિર પર ધજા અર્પણ કરવામાં આવી છે. એમ કહેવાય છે કે, જો ભગવાનના દર્શન ન થાય તો પણ જો મંદિરની ધજાના દર્શન થઇ જાય તો દર્શન કર્યાના પુણ્યની પ્રાપ્તિ થાય છે.

અમદાવાદમાં રથયાત્રાના ૧૫ દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. અમાસને દિવસે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે છે. તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.