નાયડુએ વડાપ્રધાન મોદી સમક્ષ માંગ કરી કે આંધ્ર પ્રદેશ માટે અલગ બજેટ ફાળવવામાં આવે

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બે દિવસીય દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૨૦ મિનિટ સુધી મુલાકાત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ માંગ કરી કે આંધ્ર પ્રદેશ માટે અલગ બજેટ ફાળવવામાં આવે. આ ઉપરાંત અલગ-અલગ મંત્રાલયોએ પણ તેમના પ્રોજેક્ટ્સમાં આંધ્ર પ્રદેશને પ્રાથમિક્તા આપવી જોઈએ. તેમણે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા મંત્રીઓને મળ્યા હતા.

એનડીએ સરકારમાં મોટો હિસ્સો ધરાવતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ જાણે છે કે,આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે તેમ નથી. એવામાં તેમની માંગ વિશેષ પેકેજની સામે આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તેમણે આંધ્ર પર ૧૩ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ મુદ્દો વડાપ્રધાન મોદી સામે ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, ’અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન આવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે રાજ્યમાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું ન હતું. મોદી સરકારે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે પણ પેન્ડિંગ ફંડ બહાર પાડવું જોઈએ.’

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મોટી માંગ અમરાવતીને રાજધાની તરીકે તૈયાર કરવાની હતી. તેના માટે ભંડોળની અછત છે. તેથી જો મોદી સરકાર તરફથી મદદ મળશે તો આ કામ ઝડપથી પૂર્ણ થશે. આ સિવાય તેમણે રાજ્યમાં રસ્તા, ડેમ, પુલ અને સિંચાઈ પ્રોજેક્ટના ઝડપી વિકાસ માટે અલગ પેકેજની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ’જે રીતે સરકારે બુંદેલખંડ માટે એક અલગ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને વિશેષ પેકેજ જારી કર્યું. તેવી જ રીતે આંધ્ર પ્રદેશનો પણ વિચાર કરવો જોઈએ.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ચંદ્રબાબુ નાયડુએ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં હાઈવેના વિકાસ માટે ફંડની માંગણી કરી હતી. નીતિન ગડકરી સમક્ષ અનેક પ્રોજેક્ટ્સની બ્લુપ્રિન્ટ્સ પણ રજૂ કરવામાં આવી હતી. આટલું જ નહીં, ત્યારબાદ તેમણે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે પણ વાત કરી.

એન. ચંદ્રાબાબુ નાયડુ આજે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને મળ્યા હતા અને દેવાથી ડૂબેલા રાજ્ય માટે નાણાકીય મદદ માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોર્થ બ્લોકમાં આયોજિત બેઠકમાં નાયડુએ આંધ્રપ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ પર પ્રકાશ પાડ્યો, જેને તાત્કાલિક કેન્દ્રીય સહાયની જરૂર છે. મુખ્યમંત્રીએ રાજ્યની નાણાકીય જરૂરિયાતો અને ફાળવણીમાં વધારો કરવા પાછળના તર્કની રૂપરેખા આપતા વિગતવાર મેમોરેન્ડમ સબમિટ કર્યું, સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રની તેલુગુ દેશમ પાર્ટીના મંત્રીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.

રાજ્ય સરકારના ડેટા અનુસાર, આંધ્ર પ્રદેશનું જાહેર દેવું ૨૦૧૯-૨૦માં કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદનના ૩૧.૦૨ ટકાથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૩.૩૨ ટકા થયું છે. આ છેલ્લા ૫ વર્ષમાં રાજ્યની નાણાકીય સ્થિતિમાં બગાડ દર્શાવે છે. નાયડુની મુખ્ય માંગણીઓમાં પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે ભંડોળ, પછાત વિસ્તારોને વિશેષ સહાય અને નવી રાજધાની અમરાવતીના વિકાસ માટે સમર્થનનો સમાવેશ થાય છે. નાયડુએ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અયક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સીતારમણે નાયડુની ચિંતાઓ ધીરજપૂર્વક સાંભળી હતી અને ખાતરી આપી હતી કે તે આંધ્રપ્રદેશની માંગણીઓને વ્યાપક નાણાકીય અવરોધોમાં યાનમાં લેશે. નાયડુએ રાજ્યની નાણાકીય કટોકટી અંગે અવાજ ઉઠાવ્યો છે.