ગુજરાતની ડાયરા ક્વીન રાજલ બારોટને કોણ નથી ઓળખતું. ગુજરાતની આ સૂરીલી ગાયિકાને એક સૂર પર ડાયરાની જમાવટ થાય છે. ત્યારે હાલમાં જ રાજલ બારોટની સગાઈના સમાચાર આવ્યા હતા. પિતાના મૃત્યુ બાદ બહેનોને સાસરીએ વળાવ્યા બાદ રાજલ બારોટે સગાઈ કરી છે. ગત મહિના રાજલ બારોટની સગાઈ અલ્પેશ બંભાણિયા સાથે થઈ છે. ત્યારે સગાઈ બાદ પહેલીવાર સાસરી ગયેલી રાજલ બારોટનું સાસરીવાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું. સગાઈ બાદ સાસરીમાં રાજલ બારોટની કંકુ પગલાની વિધિ યોજાઈ હતી. જેનો વીડિયો રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
સગાઈ બાદ સાસરીમાં રાજલ બારોટના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. સાસરીવાળાઓએ ભાવિ વહુનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજલ બારોટે પણ ખૂબ જ ધામધૂમથી પોતાના સાસરિયામાં કંકુપગલાં કર્યા હતા. તેણે ભાવિ પતિ અલ્પેશ બંભાણિયા સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. રાજલ બારોટે પોતાના હાથમાં બાળ ગોપાલ લઈને આવ્યા અને ત્યારબાદ પોતાના ઘરના ઉંબરે કળશ ઢોળીને કંકુ પગલાં પાડયાં હતાં અને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને પોતાના સાસરિયા પક્ષના તમામ સભ્યોના આશીર્વાદ લીધા હતા.
ગુજરાતી પરંપરા પ્રમાણે કંકુ પગલા વિધિ છે, આ વિધિ પ્રમાણે સગાઇ નક્કી થઈ ગયા બાદ દીકરી પહેલીવાર પોતાના સાસરિયામાં ગૃહ પ્રવેશ કરે છે, તેને કંકુ પગલાં પાડવામાં આવે છે જેથી સાસરિયામાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્ર્વર્યનો વાસ થાય છે, કારણ ઘરની વહુ એ લક્ષ્મી સ્વરૂપ છે.
ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે.
પરિવારમાં દીકરો ન હોવાથી મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલ બારોટે જ કન્યાદાન કર્યુ હતું. તે સમયે પણ રાજલ બારોટના પ્રયાસની લોકોએ પ્રશંસા કરી હતી. ત્યારે હવે રાજલ બારોટે એક્સાથે પોતાની બંને નાની બહેનોને પરણાવી હતી. ગાંધીનગરના એક ફાર્મહાઉસમાં લગ્ન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. જીગ્નેશ કવિરાજ તેમજ માયાભાઈ આહિરની હાજરી પણ ખાસ બની હતી.