ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે.
ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા ૪.૭ બિલિયન એફડીઆઇ પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૨૪માં ગુજરાતે ૫૫ ટકાના વધારા સાથે ૨.૬ બિલિયન વધુ એફડીઆઇ પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૭.૩ બિલિયન નવું એફડીઆઇ પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને એફડીઆઇ પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (૨૦૨૨,૨૦૨૩,૨૦૨૪)માં અનુક્રમે ૨.૭, ૪.૭ અને ૭.૩ બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે.
ગુજરાતને સતત પ્રાપ્ત થનાર એફડીઆઇના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુનિશ્ર્વિત કરી રહ્યા છે કે રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રીના વિશેષ પ્રયાસોને કારણે, ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪માં કુલ ૧૫.૧ બિલિયન ડોલરના એફડીઆઇના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત ૭.૩ બિલિયન સાથે બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા અનુક્રમે ૬.૬ બિલિયન, ૬.૫ બિલિયન અને ૩ બિલિયનના એફડીઆઇના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.