પાકિસ્તાન આ વર્ષે ઓક્ટોબરમાં એસસીઓનું આયોજન કરશે, શું મોદી પાડોશી દેશની મુલાકાત લેશે ? આ વર્ષે પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની યજમાની કરવા જઈ રહ્યું છે. જૂથના દેશોના તમામ સરકારના વડાઓને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.ભારત પણ આ સમૂહનો ભાગ છે. તે જ સમયે, વિશ્ર્વ પાકિસ્તાન અને ભારતના સંબંધોથી વાકેફ છે. સૌથી મોટો સવાલ એ છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ?
પાકિસ્તાનને લઈને મોદી સરકારની નીતિ એકદમ સ્પષ્ટ છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ વાતચીત થશે નહીં.
જો કે પાકિસ્તાન હંમેશા ભારત સાથે સંબંધો સુધારવાની વકાલત કરતું આવ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફે તેમને અભિનંદન આપ્યા હતા.
જો કે પીએમ મોદીને અભિનંદન આપવા બદલ નવાઝ શરીફનો આભાર માનતા તેમણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્યું, “નવાઝ શરીફ, હું તમારા સંદેશની પ્રશંસા કરું છું. ભારતના લોકો હંમેશા શાંતિ, સુરક્ષા અને પ્રગતિશીલ વિચારોના પક્ષમાં રહ્યા છે. આપણા લોકોની સુખાકારી અને સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિક્તા રહેશે.”
કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં થોડા દિવસ પહેલા યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની શિખર બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ વાંચ્યું. આમાં તેમણે યાદ અપાવ્યું કે આતંકવાદ સામે લડવું એ એસસીઓના મૂળ ઉદ્દેશ્યોમાંથી એક છે.
એસસીઓ સભ્યોમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિગસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. તે એક પ્રભાવશાળી આથક અને સુરક્ષા સંસ્થા છે જે સૌથી મોટી આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે.