અમૃતપાલ સિંહ દિલ્હી પણ આવ્યા, સાંસદ તરીકે શપથ લીધા, કોઈને જાણ ન થઈ

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે શુક્રવારે લોક્સભા સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ લેવા માટે અમૃતપાલને આસામની ડિબ્રુગઢ જેલમાંથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અમૃતપાલ સિંહને શુક્રવારે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પંજાબ પોલીસના આઠ જવાન અમૃતપાલ સિંહની સુરક્ષા માટે તૈનાત છે. આસામ પોલીસ અને સ્થાનિક પ્રશાસને પણ અમૃતપાલને જેલમાંથી એરપોર્ટ લાવવા અને પછી દિલ્હીની ફ્લાઈટ પકડવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી હતી. કોર્ટે અમૃતપાલ સિંહને લોક્સભા સાંસદ તરીકે શપથ લેવા માટે ચાર દિવસની પેરોલ આપી છે. તમને જણાવી દઈએ કે અમૃતપાલ સિંહ પંજાબના ખદુર સાહિબ સીટ પરથી ચૂંટણી જીત્યા છે.

કોર્ટે અમૃતપાલ સિંહને સાંસદ તરીકે શપથ લેવા માટે શરતી પેરોલ આપ્યો છે. પંજાબમાં અમૃતસરના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલા પેરોલ આદેશમાં નિર્ધારિત શરતો અનુસાર, સિંહ, તેમના સંબંધીઓ અથવા પરિવારના સભ્યો રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના રોકાણ દરમિયાન મીડિયાને કોઈ નિવેદન આપશે નહીં. અમૃતપાલ સિંહની ગયા વર્ષે ૨૩ એપ્રિલે અમૃતસરથી ધરપકડ કરવામાં આવી હતી.

અમૃતપાલ સિંહ ’વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા છે. તે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ તેના નવ સહયોગીઓ સાથે જેલમાં છે. અમૃતપાલને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂક્તી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. ગયા મહિને લોક્સભા ચૂંટણી જીત્યા બાદ જેલમાં રહેલા અમૃતપાલ સિંહને તેના માતા-પિતા તરસેમ સિંહ અને બલવિંદર કૌર અને પત્ની કિરણદીપ કૌર મળ્યા હતા.

અમૃતપાલ સિંહે કોંગ્રેસના કુલબીર સિંહ ઝીરાને ૧.૯૭ લાખ મતોથી હરાવીને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ખદુર સાહિબ બેઠક જીતી હતી. અમૃતપાલ અને તેના એક સંબંધી સહિત સંસ્થાના દસ સભ્યો એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે. આ લોકોની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ પંજાબના અલગ-અલગ ભાગોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમૃતપાલ સિંહને સાંસદ તરીકે શપથ લીધા બાદ સેફ હાઉસમાં રાખવામાં આવ્યા છે. કોર્ટના આદેશ હેઠળ તેના પરિવારના સભ્યો તેને સેફ હાઉસમાં મળી શકે છે પરંતુ એક શરત મૂકવામાં આવી છે કે તે મીડિયામાં કોઈ નિવેદન નહીં આપે.