કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી, સીબીઆઇને કોર્ટની નોટિસ; ૧૭ જુલાઈએ સુનાવણી

  • કેજરીવાલની ૨૬ જૂને સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક્સાઈઝ પોલિસી મામલાને લગતા સીબીઆઈ કેસમાં જામીન મેળવવાની અરજી પર સીબીઆઈને નોટિસ જારી કરી હતી. હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર સીબીઆઈને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. સીબીઆઈને એક સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સુનાવણીની આગામી તારીખ ૧૭મી જુલાઈ નક્કી કરાઇ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા ૨૬ જૂને આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

સીબીઆઈની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રીએ ૧ જુલાઈએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીબીઆઈએ ૨૬ જૂને કેજરીવાલની ધરપકડ કર્યા બાદ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા હતા. જે બાદ ૨૯ જૂને કોર્ટે કેજરીવાલને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

સીબીઆઈ પહેલા આ જ કેસમાં ઈડીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ ૨૧ માર્ચે સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. સીએમ કેજરીવાલે પણ ઈડીની ધરપકડને કોર્ટમાં પડકારી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુરક્ષિત છે.

કોરોના સમયગાળા દરમિયાન, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ’દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨’ લાગુ કરી હતી. આ દારૂ નીતિના અમલીકરણમાં કથિત અનિયમિતતાની ફરિયાદો આવી હતી જેના પગલે લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઇ તપાસની ભલામણ કરી હતી. આ સાથે, દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ પર સવાલો ઉભા થયા છે. જો કે, નવી દારૂની નીતિ પાછળથી તેની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે રદ કરવામાં આવી હતી.

સીબીઆઈએ ઓગસ્ટ ૨૦૨૨ માં આ કેસમાં ૧૫ આરોપીઓ વિરુદ્ધ નવી દારૂ નીતિમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને પ્રક્રિયાગત અનિયમિતતા બદલ એફઆઇઆર નોંધી હતી. ઈડીએ પાછળથી સીબીઆઇ દ્વારા નોંધાયેલા કેસના સંદર્ભમાં પીએમએલએ હેઠળ મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરી.

દિલ્હી સરકારની નવી લિકર પોલિસીમાં કથિત કૌભાંડની ઈડી અને સીબીઆઇ અલગ-અલગ તપાસ કરી રહી છે. ઈડી નીતિની રચના અને અમલીકરણમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. તે જ સમયે, સીબીઆઈ તપાસ પોલિસી બનાવતી વખતે થયેલી કથિત અનિયમિતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.