ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી, જીવ બચાવવા લોકો દોડ્યા રસ્તા પર, ૧૬૨ના મોત

જાવા,

ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં આજે એટલે કે ૨૧ નવેમ્બરે ઓછામાં ઓછા ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપના કારણે ડઝનેક ઈમારતોને નુક્સાન થયું હતું અને લોકોને પોતાનો જીવ બચાવવા માટે શેરીઓ અને ગલીઓમાં ભાગવું પડ્યું હતું. ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર પ્રદેશમાં ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ)ની ઊંડાઈ પર કેન્દ્રિત હતો.

ઇસ્લામિક બોડગ સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય જાહેર સુવિધાઓ સહિત ડઝનેક ઇમારતોને નુક્સાન થયું છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જાનહાનિ અને નુક્સાનની સંખ્યા વિશે હજુ પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

જકાર્તામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાજધાનીમાં ઉંચી ઈમારતો ધ્રૂજી ઉઠી અને અમુકને ખાલી કરાવવામાં આવી. સાઉથ જકાર્તામાં એક કર્મચારી વિડી પ્રિમાધનિયાએ કહ્યું, ’ભૂકંપ ખૂબ જ જોરદાર અનુભવાયો હતો. નવમા માળે આવેલી મારી ઓફિસમાં મેં અને મારા સાથીઓએ ઇમરજન્સી સીડીઓમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.’

વિશાળ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં ધરતીકંપો વારંવાર આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ કરવો અસામાન્ય છે. ઈન્ડોનેશિયાની વસ્તી ૨૭૦ મિલિયનથી વધુ છે અને તે વારંવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પશ્ર્ચિમ સુમાત્રા પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા હતા અને ૪૬૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જાન્યુઆરી ૨૦૨૧માં,પશ્ચિમ સુલાવેસી પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ ૬,૫૦૦ ઈજાગ્રસ્ત થયા. ૨૦૦૪માં, હિંદ મહાસાગરમાં એક શક્તિશાળી ભૂકંપ અને સુનામીના કારણે ડઝન દેશોમાં લગભગ ૨૩૦,૦૦૦ લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયામાં હતા.