ગુજરાતમાં નિશાળ જતા છોકરાઓને પણ દારૂના અડ્ડા ખબર હોય છે ,ભાજપના જ નેતાએ ખોલી પોલ

ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, બાકી દારૂ તો બધે જ મળે છે. ગુજરાતમાં નિશાળ જતા છોકરાઓને પણ દારૂના અડ્ડા ખબર હોય છે. ત્યારે અમરેલીમાં ભાજપના યુવા નેતાએ ગુજરાતની દારૂબંધી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના આ નેતાએ સોશિયલ મીડિયામાં દારૂ પીનારાઓનો પુરાવો આપતો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોથી પોલીસ બેડા તથા ભાજપ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

અમરેલીમાં વિપુલ દુધાતએ ગુજરાતમાં દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે ૨ યુવાનોને પકડી પાડ્યા હતા. બંને યુવકો પાસેથી બાઈકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. અમરેલીના લીલીયા તાલુકામાં છાશની માફક દારુનું વેચાણ થતુ હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો છે. અમરેલી જિલ્લામાં તેમણે ખુદ દારૂ પકડીને તેનો વીડિયો જાહેર કર્યો છે. જેનાથી પોલીસ બેડામાં અને ભાજપ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

મોટા લીલીયા ગામે છાશની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે બાબતે વારંવાર લોક ફરિયાદ આવતી હોય જેથી નાવલી નદીની પાછળની શેરીમાં તા.૩/૭/૨૦૨૪ ના રોજ અંદાજે ૬:૫૫ પીએમ વાગ્યે રુબરુ સ્થળ પર જઈ મુલાકાત કરી લીલીયા પીએસઆઇ એસ.આર. ગોહિલને જાણ કરતા સ્થળ પર ગૌતમભાઈ ખુમાણ તથા અન્ય એક સ્ટાફ આવેલ અને સ્થળ પરથી હુ મારા ગામ ક્રાંકચ જવા નીકળી ગયેલ પણ હું મારા ગામ ક્રાંકચ જતા હોઈએ ત્યાં તે દારૂ વેચાણ કરનાર ગાડી વાળા બને લોકો અમારી આગળ હતા એટલે હું નવાઈ પામી ગયેલ અને ફરીથી અંદાજે ૭:૧૫ પીએમ વાગ્યે લીલીયા પીએસઆઇ એસ.આર. ગોહિલને ફોન કરેલ પણ જોઈ લઈએ છે પુછી લઈએ છીએ તેવા રૂટિન જવાબ મળેલ પણ વિચારવાનું રહ્યું કે બે બે પોલીસ સ્ટાફ હાજર હોય ગાડીની ચાવી પણ ગૌતમભાઈ ખુમાણ પાસે હતી તો પણ કઈ રીતે તે લોકો નાના લીલીયા ચોકડી પર પહોંચ્યા શું પોલીસ સ્ટેશન નહિ લઈ જતા તેને જવા દેવામાં આવ્યા કે ભાગી ગયા? જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સાહેબશ્રી લીલીયાના જવાબદાર સ્ટાફ પર નિયમોનુસાર શું કરવા કરશે તે જોઈએ.

લીલીયામાં ભાજપ નેતા વિપુલ દુધાત દ્વારા બાઈક ચાલક પાસેથી દારૂ ઝડપવાના મામલા બાદ ગત મોડી રાતે લીલીયા પોલીસએ ૧૯ લિટર દેશી દારૂ સાથે ૨ ઈસમોને ઝડપી લીધા હતા. બંને ઈસમો પાસેથી ૧૯ લીટર દેશી દારૂ કિંમત રૂ.૩૮૦ બાઈક મળી કુલ રૂ.૩૦૩૮૦ના મુદામાલ કબ્જે કર્યો છે.

ઉલ્લેનીય છે કે, વિપુલ દૂધાત ભાજપના યુવા નેતા છે. તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે. તેમજ એસપી હરેશ દૂધાતના નાના ભાઈ છે. ત્યારે તેમનો આ વીડિયો પોલીસ અને ભાજપ માટે પડકાર સમાન બની રહ્યો છે. દેશી દારૂ વેચનારા ઈસમોને ભાજપ નેતા વિપુલ દૂધાતએ પકડી પોલીસને બોલાવી હતી.