આસામમાં પૂરના પાણીએ અત્યાર સુધીમાં ૪૬ લોકોના જીવ લીધા છે. રાજ્યમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી વધુ આઠ લોકોના મોત થયા છે. સોનિતપુર જિલ્લામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે મોરીગાંવ, ડિબ્રુગઢ, દરરંગ, ગોલાઘાટ, વિશ્ર્વનાથ અને તિનસુકિયા જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા હતા.
વહીવટીતંત્રે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૫૧૫ રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે, જ્યાં લગભગ ૩.૮૬ લાખ લોકો આશ્રય લઈ રહ્યા છે. પૂરના પાણી તેમના ઘરોમાં પ્રવેશ્યા પછી, ઘણા પૂર પ્રભાવિત લોકો સલામત સ્થળો, ઉચ્ચ સ્થાનો, શાળાની ઇમારતો, રસ્તાઓ અને પુલો પર આશ્રય લઈ રહ્યા છે. દરમિયાન, આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં ૧૧ પ્રાણીઓ પૂરના પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે ૬૫ અન્ય પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પૂરના અહેવાલ મુજબ, ૨ જુલાઈના રોજ તિનસુકિયા જિલ્લામાં બે લોકોના મોત થયા હતા જ્યારે ધેમાજી જિલ્લામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
મંગળવારે રાજ્યમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની હતી, કારણ કે ૨૯ જિલ્લાઓમાં ૧૬.૨૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરના પાણીમાં ૪૨,૪૭૬.૧૮ હેક્ટર પાક વિસ્તાર ડૂબી ગયો છે. આ પૂરથી કુલ ૨૮૦૦ ગામો પ્રભાવિત થયા છે. નેમાતી ઘાટ, તેજપુર, ગુવાહાટી અને ધુબરી ખાતે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આ ઉપરાંત રાજ્યની અન્ય નદીઓ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
દરમિયાન, સ્થાનિક વહીવટીતંત્ર, સેના, અર્ધલશ્કરી દળો અને એસડીઆરએફની બચાવ ટુકડીઓ ઘણી જગ્યાએ બચાવ કામગીરીમાં વ્યસ્ત છે અને મંગળવારે વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લગભગ ૨,૯૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા.વહીવટીતંત્રે પૂર પ્રભાવિત લોકોમાં ૧૦૭૫૪.૯૮ ક્વિન્ટલ ચોખા, ૧૯૫૮.૮૯ ક્વિન્ટલ કઠોળ, ૫૫૪.૯૧ ક્વિન્ટલ મીઠું અને ૨૩૦૬૧.૪૪ લિટર સરસવના તેલનું વિતરણ કર્યું હતું અને પશુઓને ઘાસચારો પણ પૂરો પાડ્યો હતો. છજીડ્ઢસ્છ લડ રિપોર્ટમાં જણાવાયું છે કે ૧૧,૨૦,૧૬૫ પ્રાણીઓ પણ પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના પાણીથી ૧૦૦ રસ્તાઓ, ૧૪ પુલ અને ૧૧ પાળાને નુક્સાન થયું છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બુધવારે રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. કામરૂપ જિલ્લામાં બેઠક બાદ તેમણે પત્રકારોને કહ્યું ‘રાજ્યમાં વિનાશક પૂર મુખ્યત્વે પડોશી અરુણાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે આવ્યા છે.’
તેમણે કહ્યું કે આસામમાં પૂર ચીન, ભૂટાન અને અરુણાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આવ્યું છે અને તે ભૌગોલિક કારણ છે અને તે આપણા નિયંત્રણની બહાર છે. તેમણે રાહત શિબિરોમાં ખોરાક અને તબીબી સહાય તેમજ ક્ષતિગ્રસ્ત પાળા અને રસ્તાઓના સમારકામની ખાતરી આપી હતી. સરમા લાઇફ જેકેટ પહેરીને બોટમાં અધિકારીઓ સાથે ડૂબી ગયેલા વિસ્તારોમાં જતા જોવા મળ્યા હતા.
અરુણાચલ પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ ગંભીર છે. મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ૬૦,૦૦૦ થી વધુ લોકો અસરગ્રસ્ત છે. તેમણે કહ્યું કે ચાર જિલ્લા નમસાઈ, લોહિત, ચાંગલાંગ અને પૂર્વ સિયાંગમાં ગંભીર પૂરનો અનુભવ થયો છે જ્યારે અન્ય જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને પગલે ભૂસ્ખલનનો અનુભવ થયો છે.
બીજી તરફ, સતત વરસાદને કારણે, મણિપુરના ઇમ્ફાલ પશ્ર્ચિમ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ પૂર આવ્યું છે, કારણ કે બે મોટી નદીઓના પાળા તૂટ્યા છે. સેનાપતિ જિલ્લામાં સેનાપતિ નદીમાં ઓછામાં ઓછા બે લોકો ડૂબી ગયા.