બીજિંગ,
બીજિંગમાં ૮૭ વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનું નૅશનલ હેલ્થ કમિશન દ્વારા જણાવાયું છે. જે ૨૬મી મેથી અત્યાર સુધીમાં કોરોનાથી સૌપ્રથમ મૃત્યુ છે. આ સાથે જ આ દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારી વ્યક્તિઓની સંખ્યા ૫૨૨૭ પર પહોંચી છે.
ચીન લૉકડાઉન્સ, ક્વૉરન્ટીન, કેસ ટ્રેસિંગ અને સામૂહિક ટેસ્ટિંગ દ્વારા ઇન્ફેક્શન્સનો સફાયો કરવા માટે વ્યાપકપણે નિયંત્રણો મૂકી રહ્યું છે. જેનાથી જનજીવન અને ઇકૉનૉમીને અસર થાય છે તેમ જ ઑથોરિટીની વિરુદ્ધ લોકોમાં આક્રોશ જાગ્યો હોવા છતાં નિયંત્રણોમાં સહેજ પણ ઢીલાશ રાખવામાં આવતી નથી.
દરમ્યાનમાં વૉશિંગ્ટન બેઝ્ડ થિંકટૅક્ધ ફ્રીડમ હાઉસના એક રિપોર્ટ અનુસાર ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની સરમુખત્યારશાહીની વિરુદ્ધ હવે વધુને વધુ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર સરકારની વિરુદ્ધ પ્રદર્શનો વધી રહ્યાં છે અને સરકાર દ્વારા એટલી જ તાકાતથી એને દબાવવામાં આવી રહ્યાં છે ત્યારે ઘર્ષણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.
ચીનના હૈઝુ જિલ્લામાં ગુઆન્ગઝૂમાં આક્રોશ વ્યક્ત કરતા લોકોના વિડિયોઝ સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા હતા. સેંકડો પ્રદર્શનર્ક્તાઓ સ્ટ્રીટ્સ પર જોવા મળ્યા હતા અને પોલીસ તેમને આગળ વધતાં રોક્તી હતી. ચીનમાં કોરોનાના કેસિસને કારણે લાદવામાં આવતા લૉકડાઉનનો લોકો દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ચીનમાં ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર ‘તોફાનો’ અને ‘વિરોધ’ જેવા ટૉપિક્સ પરના હૅશટૅગ્સ ધરાવતી કોઈ પણ પોસ્ટ્સનો ઇન્ટરનેટ પોલીસ ડિપાર્ટમેન્ટ સફાયો કરી રહ્યો છે.
આ વર્ષે ૧૮મી મેથી અત્યાર સુધીમાં ચીનમાં સરકારની વિરુદ્ધ ઓછામાં ઓછા ૭૩૫ દેખાવો, પ્રદર્શનો અને રૅલી યોજાયાં હતાં. કોરોનાને રોકવા માટે લાદવામાં આવતાં નિયંત્રણો સિવાય ચીનના લોકો હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વિલંબ, સરકાર દ્વારા હિંસા, છેતરપિંડીની ઘટનાઓ અને સ્કૂલના શિક્ષણને લઈને વિવાદોને કારણે પણ લોકોમાં સરકારના પ્રત્યે આક્રોશની લાગણી છે