અભિનેત્રી હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. તેણે પોતાની સારવાર શરૂ કરાવી છે. થોડા દિવસ પહેલા જ તેણે સોશિયલ મીડિયા પર બ્રેસ્ટ કેન્સર હોવા અંગે પુષ્ટિ કરી હતી. ત્યાર પછી તેણે એક વિડિયો પણ શેર કર્યો હતો જેમાં તેણે દેખાડ્યું હતું કે તેણે પહેલી કિમોથેરાપી પણ લઈ લીધી છે. જોકે હવે હિના ખાને પોતાના સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખાન પોતાના વાળ કાપતી જોવા મળે છે.
વાળ કાપવાનો વિડીયો શેર કરતા હિના ખાને એક લાંબુ કેપ્શન પણ લખ્યું છે. હિના ખાન હસતા હસતા પોતાના બધા જ વાળ કપાવી રહી છે. સાથે જ તેની માતા તેના માટે દુઆ કરી રહી છે. કીમોથેરાપી શરૂ થતા હિના ખાને પોતાના વાળ કાપી નાખ્યા છે. વીડિયોમાં તે વાળ કપાવતી વખતે ખુશ હોય છે પરંતુ પછી રડવા લાગે છે.
ઈંસ્ટાગ્રામ પર વિડીયો સાથે તેણે એક નોટ પણ શેર કરી છે, તેમાં તેણે લખ્યું છે કે, બેકગ્રાઉન્ડમાં જે અવાજ છે તે તેની માતાનો છે જે તેના માટે કાશ્મીરી ભાષામાં દુઆ કરી રહી છે, સાથે જ તેણે આગળ લખ્યું છે કે જે મહિલાઓ આ લડાઈ લડી રહી હોય છે તેમના માટે આ સૌથી મુશ્કેલ સમય હોય છે. તે જાણે છે કે વાળ માથા પરનો તાજ હોય છે જેને ઉતારવાનું કોઈ સ્ત્રી વિચારતી નથી. પરંતુ જો આ મુશ્કેલ લડાઈ નો સામનો કરવો હોય તો પોતાના વાળ ગુમાવવા પડે. જીતવું હોય તો કઠોર નિર્ણય લેવા પડે છે.
હિના ખાને આ વિડીયો સાથે એવું પણ લખ્યું છે કે, કેન્સર સામેની આ લડાઈ જીતવા માટે તે પોતાને તક આપે છે અને તે પોતાના સુંદર વાળ ખરતા જોવે તે પહેલા જ તેને છોડી દેવા માંગે છે. વાળ ખરવાની માનસિક ચિંતાને ઘણા બધા અઠવાડિયા સુધી સહન કરવા માંગતી નથી. સાથે જ તેણે લખ્યું છે કે વાળ ફરીથી ઉગી જશે, આઇબ્રો ફરીથી આવી જશે, ઘા પણ રુઝાઈ જશે, પરંતુ આત્મા યથાવત રહેવી જોઈએ. હિના ખાનનો આ વીડિયો ઈંટરનેટ પર વાયરલ થયો છે.