ગુજરાત કોંગ્રેસના કાર્યાલયને સળગાવી નાખવાનો પ્લાન હતો,શક્તિસિંહ ગોહિલ

રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય (રાજીવ ગાંધી ભવન) પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો સાથે થયેલા પથ્થરમારાની ઘટનાને લઇને આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે, આ સમગ્ર ઘટનામાં પોલીસની બેવડી નિતિ જોવા મળી છે.

શક્તિસિંહ ગોહીલે કહ્યું હતું ભાજપે કોંગ્રેસ કાર્યાલાય સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા હોડગ્સ અને પોસ્ટરો પર કૂચડા માર્યા હતા. કાર્યાલય પર હાજર ચોકીદારની ગર્ભવતી દિકરી પર હુમલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ભાજપના ગુંડાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલાય પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં સાંજે ૪ વાગે ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલાય પર પથ્થરમારો કરવા માટે ભેગા થવા માટેના મેસેજ વાયરલ કર્યા હતા. આ મેસેજમાં કોંગ્રેસ વિરૂદ્ધ દેખાવો નહી, પરંતુ પથ્થરબાજી કરવાની હોવાનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ફોન કરીને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મહેશભાઇ શામળભાઇ (પીએસઓ) ને જાણ કરવામાં આવી હતી કે આ લોક ૪ વાગે ફરી કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવાના છે. આ તમારા વિસ્તારમાં આવે છે તો તમારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેનું ધ્યાન રાખવાનું છે. કોંગ્રેસ કાર્યાલય પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે. આ ઉપરાંત કિરીટભાઇ પરમાર અને હિંમતભાઇ પટેલે અને અમિત ચવાડાએ પણ પોલીસને જાણ કરી હતી.

રાહુલ ગાંધીના નિવેદનના અનુસંધાનમાં ભાજપના કાર્યકરો દ્વારા પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો સાથે થયેલા પથ્થરમારાની ઘટનામાં એલિસબ્રીજ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખની કોંગ્રેસના નેતાઓ અને ૨૦૦ જેટલા કાર્યકરોના ટોળા વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી. જ્યારે બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની નોંધવામાં આવી હતી.

જેમાં કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વિરૂદ્વની હતી. જો કે પોલીસે કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરોની ફરિયાદ લીધી નહોતી અને પોલીસ પરના હુમલાની ફરિયાદમાં પણ માત્ર કોંગ્રેસના કાર્યકરોના નામ જ નોંધ્યા હતા. આમ, પોલીસે રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસની ફરિયાદ નહી નોંધ્યાનો આક્ષેપ કરાયો છે. કોગ્રેસ ભવન પાસે કોંગ્રેસ-ભાજપના નેતાઓ અને કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારાની ઘટનામાં એલિસબ્રીજ પોલીસ મથકે બે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પ્રથમ ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે નોંધાવી છે કે મંગળવારે બપોરે ભાજપના કાર્યકરો મોટા પ્રમાણમાં રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે વિરોધ કરવા માટે એકઠા થયા હોવાથી પાલડી અને એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનના અધિકારીઓે તેમજ ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્ત માટે પહોંચ્યા હતા.

આ સમયે વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, પ્રગતિ આહિર સહિત ૨૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોને ઉશ્કેર્યા હતા. જેથી ભાજપના કાર્યકરો કોંગ્રેસ ભવન તરફ ધસી આવ્યા હતા. જેથી કોંગ્રેસના કાર્યકરો પથ્થરમારો કર્યો હતો અને જેના જવાબમાં ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એમ ડીવીઝન એસીપી એ બી વાણંદ સહિત પાંચથી વઘુ પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઇ હતી.

આ કેસમાં પોલીસે ફરિયાદમાં કોંગ્રેસના નેતાઓના નામ નોંધ્યા છે. પરંતુ, ભાજપના કોઇપણ નેતાના નામ નોંધ્યા નથી. જ્યારે બીજી ફરિયાદ ભારતીય યુવા મોરચાના શહેર પ્રમુખ વિનય દેસાઇએ કોંગ્રેસના કાર્યકરો વિરૂદ્વ નોંધાવી છે. જેમાં ભાજપના કાર્યકરો શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે વિરોધપક્ષના નેતા શહેઝાદ પઠાણ, પ્રગતિ આહીર, જીનલ શાહ સહિત ૨૬ કાર્યકરોના નામ જોગ તેમજ ૨૦૦ લોકોના ટોળાએ તેમના પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકી હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં તિક્ષણ હથિયારથી હુમલા કરવા માટે કોંગ્રેસના કાર્યકરોનું ટોળુ આવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.