હાલોલના જ્યોતિ સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો દુર કરાયા

હાલોલ-વડોદરા ટોલરોડ પર જ્યોતિ સર્કલ પાસે અને પાવાગઢ બાયપાસ રોડ પર વળાંક તરફ જતાં મુખ્ય રોડ અડીને કેટલાક ગેરકાયદે દબાણો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં મકાઈ ડોળા સહિત ખાણી-પીણીની લારીઓ કેબિનો ઉભા કરી ધંધો કરતા ઈસમો દ્વારા કાચા પતરાના શેડ બાંધવામાં આવ્યા હતા. આ ગેરકાયદે દબાણોના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે. વળાંકમાં ઉભા થયેલા દબાણોને લઈ પાવાગઢ તરફથી આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો. બે દિવસ પુર્વે હાલોલ-વડોદરા રોડ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી નાના-મોટા અનેક વાહનો આ ટ્રાફિક જામમાં ફસાયા હતા.

આ દબાણો પોલીસ તંત્ર દ્વારા પાલિકાની મદદથી બે વખત તોડી પાડવામાં આવ્યા હોવા છતાં પુન: આ સ્થળે ફરી દબાણો ઉભા કરી દેવાયા હતા. આ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકના પી.આઈ.કેતન ચોૈધરીની આગેવાની હેઠળ હાલોલ પોલીસ ટીમ અને પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે દબાણ તોડવાની કવાયત હાથ ધરાતા કેટલાક દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા માટેની દોડધામ કરાઈ હતી. પોતે દબાણો હટાવતા નજરે પડ્યા હતા. જયારે કેટલાક ગેરકાયદે દબાણો હાલોલ ટાઉન પોલીસની ટીમ દ્વારા પાલિકાની દબાણ શાખાની ટીમના સહયોગથી જેસીબી મશીનની મદદથી તોડી પાડ્યા હતા. દબાણો તોડવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.