શહેરામાં અષાઢી બીજ પહેલા મેઘો મહેરબાન થતા દોઢ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ

શહેરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ગુરૂવારની સાંજના છ વાગ્યાથી સાડા સાત સુધીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ થતા પ્રજાજનોને ચોમાસાની ઋતુ જેવો માહોલનો અહેસાસ થયો હતો. અષાઢી બીજ પહેલા મેઘો મહેરબાન થતા અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાઇવે ઉપર પાણી ભરાઈ જવા સાથે શાન્તા કુંજ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતું થતા ત્યાંના રહીશો ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતાને લઈને ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા. જોકે નગરના અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા સાથે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.

  • ગુરૂવારની સાંજના 6 વાગ્યાથી 7:30 સુધીમાં મામલતદાર ના ડિઝાસ્ટર વિભાગમાં 64 મીમી વરસાદ નોંધાયો
    અણીયાદ ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા.
  • દિલ્હી બોમ્બે હાઈવે ઉપર અને સાન્તાકુંજ સોસાયટીમાં નદીના જેમ રસ્તા પર પાણી વહેતું થતાં ત્યાંના રહીશું ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતાના પગલે ચિંતિત થઈ ઉઠ્યા હતા.

શહેરામાં પાછલા બે દિવસથી તાલુકા વાસીઓને ચોમાસાની ઋતુ જેવો માહોલનો અહેસાસ થઈ રહયો છે. ગુરૂવારની સાંજના કાળા ડિંબાગ વાદળો વચ્ચે અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું જોકે વાતાવરણમાં બદલાવ આવવા સાથે અષાઢી બીજ પહેલા મેઘો મહેરબાન થતા બફરા અને ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી પ્રજાજનોને મુક્તિ મળવા સાથે ગરમીમાં રાહત થઈ હતી. જ્યારે અણીયાદ ચોકડી વિસ્તાર માંથી પસાર થતાં દિલ્હી બોમ્બે હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી.

સતત વાહનોની અવરજવાળા આ હાઇવે માર્ગ ઉપર પાણી ભરાઈ જતા સંબંધિત તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. માર્ગ ઉપર અમુક વાહનોમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ જતા વાહન ચાલકનો છૂપો આક્રોશ પણ સંબંધિત તંત્ર સામે જોવા મળી રહ્યો હતો. જ્યારે હાઇવે ને અડીને આવેલી શાન્તા કુંજ સોસાયટીના રસ્તા ઉપર વરસાદી પાણી નદીના જેમ વહેતા જોતા ત્યાંના રહીશો ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતાના પગલે ભારે ચિંતિત થઈ ઊઠ્યા હતા. જોકે, મેઘરાજા મન ભરીને વરસતા સાંજના 6 વાગ્યાથી 7:30 સુધીમાં મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

હજુ તો ચોમાસાની શરૂઆત થઈ હોય ત્યારે નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને આ વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણી ભરાઈ નહીં એ માટેનું આયોજન કરે તે હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહ્યું છે. જોકે, મેઘો મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હોય જ્યારે નીચાણવાળા વિસ્તારના લોકો ચિંતામાં ઘરકાવ થઈ ગયા હતા. વરસાદના આગમનના પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ જતા લોકોને અંધારામાં રહેવાનો વાળો આવ્યો હતો. ચોમાસાની સિઝનનો સારો એવો વરસાદ થતાં લોકોને ચોમાસાની ઋતુનો અહેસાસ થવા માંડ્યો હતો.