શહેરા નગરમાં પસાર થતા હાઇવે ઉપર અમુક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ છવાઈ જતો હોય છે. નગરના મહત્વના વિસ્તારો તેમજ સોસાયટીમાં જે જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બધ હોય ત્યાં કામગીરી હાથ ધરવામાં આવે તેમજ નવી લાઈટો થાંભલા પર લગાવવામાં આવે એવી આશા જાગૃત નગરજનો રાખી રહ્યા હતા.
શહેરા નગરપાલિકાનો વિકાસ દિનપ્રતિદિન વધી રહ્યો હોય ત્યારે બસ સ્ટેશનથી અણીયાદ ચોકડી વિસ્તાર માંથી પસાર થતા હાઇવે ઉપર અમુક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ છવાઈ જતો હોય છે. રાત્રિ દરમિયાન નગરજનો અહીંથી પસાર થતા હોય ત્યારે અંધારૂ હોવાથી ચાલવામાં તકલીફ પડતી હોય તેમજ અહીં અવરજવર પણ રહેતી હોય તેમ છતાં પાલિકા દ્વારા આ બાબતને કોઈ જ ગંભીરતા ન લીધી હોવાથી પાછલા કેટલાક દિવસોથી આજ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી હતી.
ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે પસાર થતા રસ્તા ઉપર વધારે અજવાળું આપે તેવી લાઈટો પાલિકા દ્વારા લગાવવામાં આવી જોઈએ પરંતુ હાલમાં ઘણા બધા વિસ્તારોમાં લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો બહુજ ઓછું અજવાળું આપતી હોય છે. પાલિકામાં આને લગતી ગ્રાન્ટ આવતી હોય ત્યારે પોતાની નૈતિક ફરજ સમજીને પાલિકાના સત્તાધીશો આ ઉપરોક્ત બાબતને ગંભીરતા લેશે કે નહીં એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહીં,જોકે પાલિકા દ્વારા નગરના મહત્વના વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં જે જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોય ત્યાં અજવાળું થાય એ માટેની કામગીરી હાથ ધરે તેમજ નવી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે એવી આશા જાગૃત નગરજનો રાખી રહ્યા હતા.