કોંગ્રેસના હોબાળા વચ્ચે,મધ્યપ્રદેશ માં બજેટ રજૂ કર્યું, પેટ્રોલ અને ડીઝલ પર કોઈ રાહત નહીં

  • વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું. ૩.૬૫ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

મધ્યપ્રદેશ ના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરાએ બુધવારે વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું. ૩.૬૫ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ૧૬ ટકા વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છતાં પેટ્રોલ અને ડીઝલ પર કોઈ વધારાની રાહત આપવામાં આવી નથી. હવે પણ દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ મધ્યપ્રદેશ માં જ વેચાતું રહેશે. રાજ્ય સરકારે મહિલાઓ, બાળકો અને ખેડૂતો માટે તિજોરી ખોલી છે, પરંતુ કોઈ નવો ટેક્સ લાદ્યો નથી.

વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘરના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. તેમની માંગણી એવી હતી કે નસગ કોલેજ કૌભાંડમાં તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગને બરતરફ કરવામાં આવે. આ એક જ મુદ્દાની માંગ સાથે ધારાસભ્યોએ આસંદીની નજીક આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને બજેટ ભાષણને ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સુધી દેવરા બોલતા રહ્યા ત્યાં સુધી વિપક્ષના ધારાસભ્યો હંગામો કરતા રહ્યા. બાદમાં તેઓએ વોકઆઉટ કર્યું અને બહાર વિરોધ પ્રદર્શન કર્યું. પત્રકારો સાથેની ચર્ચામાં દેવરાએ વિપક્ષના આ વલણને હેરાન કરનારું ગણાવ્યું હતું.

૨૦૨૪-૨૫ના બજેટમાં દેવરા દ્વારા કરવામાં આવેલી મોટી જાહેરાતોમાં પીએમ ઇ-બસ યોજના હેઠળ છ શહેરોમાં (ઈન્દોર, ભોપાલ, જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન અને સાગર) ભારત સરકારની મદદથી ૫૫૨ ઈ-બસ ચલાવવાનો સમાવેશ થાય છે. . આ સાથે સરકારે પાંચ વર્ષમાં વાષક બજેટનું કદ બમણું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ૨૦૨૪-૨૫ માટે રૂ. ૩,૬૫,૦૬૭ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે, જે ૨૦૨૩-૨૪ના રૂ. ૩,૧૪,૦૨૫ કરોડ કરતાં ૧૬ ટકા વધુ છે.

આગામી પાંચ વર્ષમાં મધ્યપ્રદેશ માં એક્સપ્રેસ વે નેટવર્ક દ્વારા ૨૯૯ કિમીનો અટલ પ્રગતિ પથ, ૯૦૦ કિમીનો નર્મદા પ્રગતિ પથ, ૬૭૬ કિમીનો વિંય એક્સપ્રેસવે, ૪૫૦ કિમીનો માલવા-નિમાર વિકાસ માર્ગ, ૩૩૦ કિમીનો બુંદેલખંડ વિકાસ માર્ગ અને ૭૪૬ કિમીનો મધ્ય ભારત વિકાસ પથ બનાવવામાં આવશે. બંને તરફ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર વિક્સાવવામાં આવશે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. સિંહસ્થ-૨૦૨૮ને ધ્યાનમાં રાખીને ઉજ્જૈન શહેરમાં બાયપાસની સાથે શહેરમાં આવતા તમામ રસ્તાઓને ફોર લેન અથવા આઠ લેન બનાવવામાં આવશે.

રાજ્ય સરકારે સંસ્કૃતિ વિભાગ માટે રૂ. ૧,૦૮૧ કરોડ ફાળવ્યા છે. જે ૨૦૨૩-૨૪ની સરખામણીમાં ૨૫૦ ટકા વધુ છે. આ રકમ સાથે, વીર ભારત ટ્રસ્ટ, ભારતના કાલાતીત મહાન નાયકોની તેજસ્વીતાના સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાં આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ હશે. ભગવાન શ્રી રામે તેમના વનવાસ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોની યાત્રા કરી હતી. અમે રાજ્યની સીમાઓમાં રામ પથ ગમનના વિસ્તારોમાં વિવિધ સ્થળોની ઓળખ કરીશું અને તેનો વિકાસ કરીશું. મુખ્યમંત્રી ડો.મોહન યાદવે શ્રી કૃષ્ણ પથેય યોજનાની જાહેરાત કરી છે. આ દ્વારા, રાજ્યમાં શ્રી કૃષ્ણના માર્ગને ફરીથી શોધવા અને સંબંધિત વિસ્તારોના સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાઓનું સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે.

કૃષિ ક્ષેત્રના બજેટમાં ૧૫ ટકા, આરોગ્યની સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના બજેટમાં ૫૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણમાં ૪ ટકા, એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની યોજનાઓમાં ૧૦ ટકા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૯ ટકા, શહેરી અને ગ્રામીણ વિકાસમાં ૧૩ ટકા, સાંસ્કૃતિક પ્રોત્સાહનમાં ૩૫ ટકા, રોજગારમાં ૩૯ ટકાનો વધારો થયો છે.