પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ મોટી કાનૂની જીત મેળવી છે. ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં આજે રાવલપિંડીની વિશેષ જવાબદારી અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા છે. ઈમરાન ખાન અને બુશરા બીબી અને અન્ય આરોપીઓ પર અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં દેશની તિજોરીને લગભગ ૫૦ અબજ રૂપિયાનું નુક્સાન પહોંચાડવાનો આરોપ છે.
જજ મોહમ્મદ અલી વારૈચે રાવલપિંડીની અદિયાલા જેલમાં સુનાવણી હાથ ધરી હતી, જ્યાં ખાન અને બુશરા બીબી બંને અન્ય કેસમાં બંધ છે. જો કે, જામીન મળવા છતાં, ૪૯ વર્ષીય બુશરા ગેરકાયદેસર લગ્નના કેસમાં દોષિત હોવાને કારણે જેલમાં રહેશે.
અલ કાદિર ટ્રસ્ટ વાસ્તવમાં યુનિવસટી સંબંધિત મામલો છે. તેની સ્થાપના વર્ષ ૨૦૨૧ માં જેલમના સોહાવામાં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ ઈમરાન ખાન, તેની પત્ની બુશરા બીબી અને તેના નજીકના સહયોગીઓ ઝુલ્ફીકાર બુખારી અને બાબર અવાન દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ યુનિવસટીની સ્થાપનાનો હેતુ સોહાવામાં સારું શિક્ષણ આપવાનો હતો. ૨૦૨૧માં સ્થપાયેલી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આ યુનિવસટીને હજુ સુધી સરકાર દ્વારા માન્યતા મળી નથી. આ કેસમાં ઈમરાન અને તેની પત્ની પર પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ મલિક રિયાઝને ધમકી આપવા અને યુનિવસટી માટે અબજો રૂપિયાની જમીન હડપ કરવાનો આરોપ છે. આ સંસ્થા ટ્રસ્ટ તરીકે નોંધાયેલી હતી પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવતી હતી.
બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર માણેકાએ બુશરા બીબી અને ઈમરાન ખાન વિરુદ્ધ ગેરકાયદેસર લગ્નનો કેસ દાખલ કર્યો હતો. ખાવર માણેકાએ આરોપ લગાવ્યો હતો કે તેણે તેની પત્ની દ્વારા ઇદ્દતની ફરજિયાત રાહ જોયા વિના લગ્ન કર્યા છે. ખાવરે કોર્ટમાં લગ્નને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી