ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતુ. પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડબોડી મળી આવી હતી.ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હતુ. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગતરોજ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરૂ જગ્યા પરથી સિમેન્ટ ભરેલુ શંકાસ્પદ ડ્રમ હોવાની પોલીસને માહિતી મળી હતી. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલુ ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતુ અને પગ જેવું શારીરિક અંગ નજરે પડતા તેમાં લાશ હોવાની પ્રબળ શંકા જન્મી હતી. ભારે જહેમત બાદ ડ્રમ તોડી શકાયું હતું
ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન ૨૦૦થી ૨૫૦ કિલોગ્રામ જેટલું હતું. પોલીસે મતુર્ક યુવતીની ઓળખ અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.