દિલ્લીની આયુષીને પણ આપ્યુ દર્દનાક મોત, યમુના એક્સપ્રેસવે પર સૂટકેસમાં લાશ મળી

  • પોલીસ આને ઓનર કિલિંગનો મામલો માની રહી છે

નવીદિલ્હી,

દિલ્લીમાં શ્રદ્ધા વૉકર હત્યાકાંડ બાદ મથુરામાં યમુના એક્સપ્રેસવેના કિનારે સૂટકેસમાં એક યુવતીની લોહીથી લથપથ લાશ મળી હતી. તેની ઓળખ દિલ્લીના બદરપુરની નિવાસી ૨૧ વર્ષીય આયુષી યાદવ તરીકે થઈ છે. તેની મા અને ભાઈએ ઓળખ કરી છે. આ મામલે પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુકે આરોપી પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ મામલે ખુલાસો કરવામાં આવશે. આયુષી યાદવ મૂળ યુપીના ગોરખપુરની રહેવાસી હતી પરંતુ તે તેના પરિવાર સાથે દિલ્લીના બદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોલડબંધ વિસ્તારમાં રહેતી હતી. તેના પિતા નિતેશ યાદવ ઇલેક્ટ્રિશિયનનુ કામ કરે છે. પોલીસ મૃતકના માતા-પિતા અને ભાઈની પણ પૂછપરછ કરી રહી છે.

પોલીસ આને ઓનર કિલિંગનો મામલો માની રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે પિતાએ પુત્રીને ગોળી મારી હતી અને પછી મૃતદેહને સૂટકેસમાં ભરીને મથુરાના રાયા વિસ્તારમાં ફેંકી દીધો હતો. આયુષીનો મૃતદેહ યમુના એક્સપ્રેસ વેની બાજુમાં લાલ રંગની સૂટકેસમાંથી મળી આવ્યો હતો. યુવતીના માથા, હાથ અને પગ પર ઈજાના નિશાન હતા. તેને છાતી પર ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા આયુષી તેના પિતા નિતેશ યાદવને જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેના પિતા ગુસ્સે થઈ ગયા અને તેને ગોળી મારી દીધી. ત્યારબાદ તેના શરીરને પ્લાસ્ટિકમાં લપેટી, તેને ટ્રોલી બેગમાં ભરી અને બેગને ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી. શુક્રવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મૃતદેહને પોલીથીન બેગમાં લપેટીને ટ્રોલી બેગમાં ભરી દેવામાં આવ્યો હતો.

શરૂઆતમાં પોલીસ લાશની ઓળખ કરી શકી ન હતી. સર્કલ ઓફિસર આલોક સિંહે શુક્રવારે જણાવ્યુ હતુ કે ઘટના અંગેની માહિતી આસપાસના તમામ જિલ્લાઓના પોલીસ સ્ટેશનોને મોકલી દેવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે, ૧૮ નવેમ્બરના રોજ યમુના એક્સપ્રેસ વે નજીક એક સૂટકેસમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. યુવતીને છાતીમાં ગોળી વાગી હતી. શરીર પર ઈજાના ઘણા નિશાન છે જે દર્શાવે છે કે યુવતીએ હત્યા પહેલા પોતાને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો.