ખાનપુરના ભાદરોડ ગામમાં રહેતા ગલીબેન ચંદુભાઈ માલીવાડ ઘરકામ કરે છે. તેઓએ ત્રણેક વર્ષ પહેલા નવું મકાન બનાવ્યું હતું અને તેના પછીના વર્ષ એટલે કે બે વર્ષ અગાઉ દિકરીના લગ્ન લેવાયાં હોવાથી દેવું થઈ ગયું હતું. આથી ગામમાં રહેતા જશીબેન દિનેશભાઈ પટેલને મળ્યા હતા. તેઓએ જશીબહેનને મળી સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકી મહીને 5 ટકા લેખે વ્યાજે રોકડા રૂપિયા 60 હજાર લીધાં હતાં. તેઓ દર મહિને વ્યાજ સહિતની રકમ ચુકવતા હતા. તેમાંય ગલીબહેન અને તેમના પતિ ચંદુભાઈ માલીવાડ બંને જશીબહેનના ઘરે ગયા હતા અને રોકડા રૂપિયા 36 હજાર આપ્યા હતા.
આ સમયે જશીબહેને જણાવ્યું હતું કે, વ્યાજ અને મુડી મળી હજુ રૂપિયા 72 હજાર ભરવા પડશે તે રૂપિયા ભરશો ત્યારે તમને તમારા દાગીના મળશે. આથી ગલીબહેને રોકડા રૂપિયા 45 હજાર આપ્યા હતા. આમ છતાં જશીબહેને 72 હજારનું દેવું ઉભું રાખ્યું હતું. આખરે આ અંગે બાકોર પોલીસ મથકે જશીબહેન દિનેશભાઈ પટેલ સામે ફરિયાદ આપતા બાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.