મહારાષ્ટ્રમાં લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ હવે વિપક્ષી મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનને વધુ એક સારા સમાચાર મળ્યા છે. યુબીટી વિધાન પરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એકનાથ શિંદેની શિવસેનાને હરાવી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ વિધાન પરિષદની ચારમાંથી બે બેઠકો જીતી છે, જ્યારે સત્તાધારી મહાયુતિ ગઠબંધનને માત્ર ૨ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આમાં ભાજપને એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો.
દર બે વર્ષે યોજાતી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે ૨૬ જૂને મતદાન થયું હતું, જેના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ મુંબઈ સ્નાતક અને મુંબઈ શિક્ષકની બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કોંકણ ગ્રેજ્યુએટ બેઠક પર જીત મેળવી હતી. જ્યારે શિંદેની શિવસેનાના કિશોર દરાડે નાશિક શિક્ષક બેઠક પર જીતી મેળવી હતી.
અહીં શિવસેના યુબીટીના નેતા અનિલ પરબે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મુંબઈ ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી ભાજપના કિરણ શેલારને હરાવીને જીત મેળવી હતી. પરબને ૪૪,૭૮૪ વોટ મળ્યા જ્યારે શેલારને ૧૮,૭૭૨ વોટ મળ્યા હતા. અહીં પડેલા કુલ મતોમાંથી, ૬૪,૨૨૨ મત માન્ય જણાયા અને વિજેતા ક્વોટા ૩૨,૧૧૨ મતો હતા. પ્રથમ પસંદગીના મતદાનમાં, પરબને ૪૪,૭૮૪ મત મળ્યા અને તેઓ વિજેતા જાહેર થયા હતા. આ સિવાય શિવસેના યુબીટીના ઉમેદવાર જેએમ અભ્યંકર મુંબઈ શિક્ષક બેઠક પરથી જીત્યા હતા. તેમને ૧૧,૫૯૮ માન્ય મતોમાંથી ૪,૦૮૩ મત મળ્યા હતા.
જ્યારે કોંકણ ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના નિરંજન દાવખરેએ કોંગ્રેસના રમેશ કીરને હરાવ્યા હતા. દાવખરેને ૧,૦૦,૭૧૯ વોટ મળ્યા, જ્યારે કીરને ૨૮,૫૮૫ વોટ મળ્યા હતા. આ સિવાય શિવસેનાના કિશોર દરાડે નાશિક શિક્ષક બેઠક પર જીત્યા હતા. દરાડેએ તેમના નજીકના હરીફ વિવેક કોલ્હે (અપક્ષ) ને હરાવીને તેમની બેઠક જાળવી રાખી અને ૬૩,૧૫૧ માન્ય મતોમાંથી જીતવા માટે પૂરતા મતો મેળવ્યા હતા.
લોક્સભાની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ વિધાન પરિષદની ચૂંટણીના આ પરિણામો ભાજપ-શિવસેના અને એનસીપીના મહાગઠબંધન માટે પણ ચિંતા વધારી શકે છે. તે જ સમયે, વિપક્ષ એમવીએ ગઠબંધન માટે ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રાપ્ત આ જાહેર સમર્થનને જીવનરેખા તરીકે જોવામાં આવી રહ્યું છે.