દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું જામી ગયું છે. અને ઘણા વિસ્તારોમાં મુશધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં પણ ધોધમાર વરસાદને પગલે બદ્રીનાથમાં અલકનંદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીનું જળસ્તર વધતા જ લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું. જેના કારણે અલકનંદા તપ્તકુંડથી માત્ર ૬ ફૂટ નીચે વહી રહી હતી. અલકનંદાનું જળસ્તર તપ્તકુંડ સુધી પહોંચવાની સંભાવનાને જોતા પોલીસે વિસ્તારને ખાલી કરાવ્યો છે અને આસપાસના વિસ્તારને પણ એલર્ટ કરી દીધા છે. રાત્રિ દરમિયાન નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની સંભાવના છે.
અલકનંદાના રૌદ્ર સ્વરૂપને કારણે નારદ શિલા અને વારાહી શિલા પણ પાણીમાં ડૂબી ગયા છે. બદ્રીનાથ કોતવાલી પ્રભારી નવનીત ભંડારીના જણાવ્યાનુસાર ધામમાં નદીનું જળસ્તર વયું છે. રાત્રિ દરમિયાન પાણી વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તપ્તકુંડને ખાલી કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ધામમાં માઈક દ્વારા સતત જાહેરાતો પણ કરવામાં આવી રહી છે કે કોઈએ નદી કિનારે જવું નહીં. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં અલકનંદા તપ્તકુંડથી લગભગ ૧૫ ફૂટ નીચે વહે છે. જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે નદીનું જળસ્તર ધામના તપ્તકુંડથી માત્ર ૬ ફૂટ નીચે છે.