ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી અને આર.એસ.એસ.ના ગુંડાઓ દ્વારા જે હિચકારો હુમલો કરવામાં આવ્યો, તોડ-ફોડ કરવામાં આવી તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ તેમ વિધાનસભા ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું
તેમણે કહ્યું હતું કે દેશની સંસદમાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું કે ભાજપ-આર.એસ.એસ. દ્વારા રાજકીય લાભ માટે ધર્મના નામે ખોટા દુરુપયોગને ખુલ્લા પાડી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી છે. એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આર.એસ.એસ. વાળા લોકો ગુંડા તત્વોને મોકલીને આ હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે. ભારત દેશ વિવિધ ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતનો બનેલો દેશ છે. અને એમાં જે હિંદુ ધર્મ છે, હિંદુ સંસ્કૃતિ છે જે આ દેશની સંસ્કૃતિ છે એની વાત કરીને રાહુલ ગાંધીએ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખુબ સાચી વાત કરી કે કોઈપણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી અને કોઈપણ ધર્મ હિંસા ફેલાવતો નથી.
હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બુદ્ધ કે ભગવાન મહાવીર હોય આ તમામ ધર્મ અને તમામ સંસ્કૃતિએ શાંતિ, પ્રેમ, ભાઈચારો, દયાનો આપણને પાઠ ભણાવ્યો છે અને એ મુજબ જ આ દેશ ચાલ્યો છે. પણ પોતાના રાજકીય લાભ માટે ભાજપ દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, દબાવવામાં આવી રહ્યા છે અને ધર્મના નામે રાજનીતિ કરી લોકોની વચ્ચે ભાગલા પાડી રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે એને રાહુલ ગાંધીએ ગઈકાલે સાચા અર્થમાં ખુલ્લી પાડી. હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ ક્યારેય હિંસામાં માને જ નહી, કોઈપણ સાચો હિંદુ હોય એ ક્યારેય હિંસા, ભેદભાવ, નફરત અને કોઈને પણ ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કરે જ નહિ. પણ આ ભાજપ અને આર.એસ.એસ. પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિંદુ ધર્મના એ એકલા જ ઠેકેદારો હોય એ રીતે વર્તી લોકોને ડરાવી-ધમકાવી રહ્યા છે અને દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ જે સાચી વાત કરી એનું ખોટું અર્થઘટન કરી, આખા પ્રવચનની થોડી કલીપ લોકોને બતાવી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ રાહુલ ગાંધીના ભાષણે હિંદુ ધર્મના ખોટા ઠેકેદારો જે ભાજપ, આર.એસ.એસ.ના નેતાઓને ખુલ્લા પાડી દીધા એના કારણે ડરી જઈને કોંગ્રેસ ભવન ઉપર હુમલો કર્યો છે. અડધી રાત્રે અંધારામાં આવી કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. ભવનના ચોકીદાર હતા તેમની દીકરી સગર્ભા હતી એની પર પણ હુમલો કરવામાં આવ્યો. ધર્મની આડમાં લોકોને ડરાવવા-ધમકાવવા નીકળેલા ભાજપના પીઠ્ઠુઓ અને ગુંડા-મવાલી તત્વો દ્વારા હુમલો થયો છે. અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સાથેસાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છીએ કે, એકવાર નહિ આવા અનેક હુમલાઓ તમે ડરાવવા માટે કરાવ્યા છે પણ કોંગ્રેસ કે કોંગ્રેસના કાર્યકરે ક્યારેય વિચારધારામાંથી પીછેહઠ કરી નથી કે કોઈનાથી ડર્યા પણ નથી અને ડગ્યા પણ નથી. ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં ખુબ સાચી વાત કરી છે કે આવનારા સમયમાં ભાજપને ગુજરાતમાં હરાવીશું. અંધારામાં આવીને હુમલો કરવા નીકળ્યા છો એના બદલે ભાજપના નેતાઓમાં જો હિંમત હોય તો સમી છાતીએ આવે અમે લડવા માટે તૈયાર છીએ, ગુજરાતના લોકોના ન્યાય માટે અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શો છે સંવિધાન, સત્ય અને અહિંસા એનાથી આ લડાઈ લડીશું અને લડવામાં ક્યારે પીછેહઠ નહિ થાય ક્યારેય ડરાવી-દબાવી નહિ શકો, અને આવનારા સમયમાં ૧૦૦ ટકા ગુજરાતમાં તમને હરાવીશું એ વાત ભાજપ અને આર.એસ.એસ.ના નેતાઓને કહેવા માંગીએ છીએ. આ કૃત્યને સખતમાં સખત શબ્દોમાં વખોડી સરકાર આવા ગુંડા-મવાલી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થમાં સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગણી કરીએ છીએ.