જૂનાગઢમાં ઘૂંટણસમા પાણીમાં નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર

જિલ્લામાં ૨૪ કલાકથી અનરાધાર વરસાદે કપરી પરિસ્થિતિ સર્જી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ જેટલો વરસાદ હાલ ખાબકી ચૂક્યો છે. જેમાં માણાવદર તાલુકાનું પીપલાણા ગામ બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે. જેમાં ખેતર , ઘર અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પીપલાણા ગામમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ગામમાં પાણી ઘૂસી જતા આજે સવારે મૃતક મહિલાના પાથવ દેહને કમર સુધી ભરાયેલા પાણીમાં સામે કાંઠે ગામની બહાર લઈ જઈ જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

ગઈકાલે રાત્રે જૂનાગઢ શહેરમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં શહેરની અનેક બિલ્ડીંગોમાં પાણી ઘુસ્યા હતા જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી.જેમાં શહેરની રાજલક્ષ્મી સોસાયટી ,સુર સંગમ સોસાયટી, નવરત્ન એપાર્ટમેન્ટ, સાબલપુર ચોકડી દોલતપરા જોશીપરા , ગીરીરાજ નગર સહિતના વિસ્તારોમાં પાણી ઘુસતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા.

કાળવા નદીના વોકડાને વરસાદ પહેલા જ એક ફૂટ ઉંડો કરવામાં આવતા આસપાસના ઘરોમાં પાણી ઘૂસ્યા નથી. જો કે, ભારે વરસાદને પગલે જિલ્લામાં સ્ટેટ અને ગ્રામ્યના કુલ ૫૦ રસ્તાઓ બંધ છે. ૩૩ ગ્રામ્ય પંથક ભારે વરસાદની સંપર્ક વિહોણા બન્યા છે. સૌથી વધુ માણાવદર ના ૧૫, માંગરોળ ના ૧૧ અને કેશોદના સાત ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ સાથે જિલ્લાના ૧૭ ડેમમાંથી ૪ ડેમ ઓવરલો થયા છે. વરસાદને પગલે મહાનગર વિસ્તારમાં ૪૦૦ માંથી ૩૫૦ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ સાથે હજુ પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હોવાથી લોકોને સચેત રહેવા સૂચના આપવામાં આવી છે.