ધોરાજીમાં યોજાયેલી સભામાં મોદી મેજીક જોવા મળ્યો ન હતો. અહીંની સભામાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી

રાજકોટ,

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈ જનતાને આકર્ષવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ગત રોજ બીજો દિવસ હતો. વાપીમાં બે દિવસ પહેલા રોડ-શો યોજ્યો હતો, જેમાં જનમેદની ઉમટી હતી. વેરાવળમાં પણ જનસભાને સંબોધી હતી, ત્યાં પણ જનમેદનીનો સેલાબ જોવા મળ્યો હતો.

મોદીએ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પણ જાહેસભાને સંબોધી હતી. જોકે ધોરાજીમાં યોજાયેલી સભામાં મોદી મેજીક જોવા મળ્યો ન હતો. અહીંની સભામાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ધોરાજીમાં યોજાયેલી સભામાં એક લાખથી વધુ લોકોને લાવવાનો ટાર્ગેટ હતો, પણ તેમાં સફળતા મળી ન હતી. યુવાઓ અને રાજકોટની જનતામાં મોદી મેજીક ઘટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મોદીની ધોરાજીમાં આ સભાએ ૫ વિધાનસભા વચ્ચેની એક સભા હતી. જેમાં જેતપુર, પોરબંદર, ગોંડલ, કુતિયાણા અને ધોરાજી બેઠકને અસર કરે એ માટે આ સભાનું આયોજન થયું હતું. જેતપુરમાં હાલમાં જયેશ રાદડિયા, ગોંડલમાં ગીતાબેન જાડેજા અને પોરબંદરમાં બાબુ બોખિરિયા ઉમેદવાર છે.

ધોરાજીમાં તો પ્રશાંત કોરાટની જવાબદારી હતી. કુતિયાણામાં ઢેલિબેન નવા ઉમેદવાર હતા પણ બાકીના ૪ નેતાઓ ભાજપમાં કદાવર ગણાય છે. જેતપુરથી રાદડિયા નિષ્ક્રીય રહ્યાં. ગોડલમાં જયરાજ સિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેનો જૂથવાદ કોઈનાથી અજાણ્યો નથી.

ગોંડલ બેઠક પર પણ ભાજપમાં ડખા છે. બોખિરિયાએ પણ સંપૂર્ણ જવાબદારી ન સ્વીકારતાં આખરે આ સભાની પોલ ખૂલી ગઈ છે. આમ ૩ કદાવર નેતાઓ આ સભામાં ભીડ મામલે નિષ્ક્રિય રહેતાં પ્રશાંત કોરાટની રાજકીય કારકીર્દી દાવ પર મૂકાઈ ગઈ છે.

એક લાખ લોકોને એકઠા કરવાનું આયોજન હતું. જેમાં ૨ ટ્રકો ભરીને ખુરશીઓ તો રિટર્ન મોકલાઈ હતી. એવી ચર્ચા એ છે કે આઈબીના રિપોર્ટ પ્રમાણે ૪૦થી ૪૫ હજાર લોકો સભામાં હાજર હતા. ખાલી ખુરશીઓની લાઈનો જોઈને જ મોદી અકળાઈ ગયા હતા અને બોલવામાં થોથવાયા હતા. પાંચ વિધાનસભાના ઉમેદવારો માટે યોજાયેલી વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ખુરશીઓ ખાલી રહેતા ખળભળાટ મચ્યો હતો. આમ તો મોટાભાગના પીએમ મોદીના કાર્યક્રમોમાં જનમેદની જોવા મળતી હોય છે, જોકે રાજકોટના ધોરાજીમાં યોજાયેલી સભામાં સેંકડો ખુરશીઓ ખાલી રહેતા આશ્ર્ચર્ય ફેલાયું હતું. વડાપ્રધાન મોદીનું રાજકોટ હોમગ્રાઉડ મનાય છે, ત્યારે ખુરશીઓ ખાલી રહેતા તેના પડઘા આગામી સમયમાં પણ જોવા મળી શકે છે.