પાકિસ્તાને ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધમાં ગુમ થયેલા સંરક્ષણ કર્મચારીઓની યાદી ભારતને સોંપી

પાકિસ્તાને ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં ગુમ થયેલા સંરક્ષણ કર્મચારીઓની યાદી ભારતને સોંપી છે. બંને દેશોએ એકબીજાની કસ્ટડીમાં નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. ભારત અને પાકિસ્તાને સોમવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક્સાથે રાજદ્વારી ચેનલો દ્વારા એકબીજાની કસ્ટડીમાં નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપ-લે કરી છે એવું એક નિવેદનમાં જણાવાયું છે.

પાકિસ્તાને ૩૮ ગુમ થયેલા પાકિસ્તાની સંરક્ષણ કર્મચારીઓની યાદી પણ સુપરત કરી છે. જેઓ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોથી ભારતીય કસ્ટડીમાં હોવાનું માનવામાં આવે છે, એમ વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પાકિસ્તાને ૨૫૪ ભારતીય અથવા પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરિક કેદીઓ અને માછીમારોની યાદી સોંપી છે. જ્યારે ભારતે ૪૫૨ પાકિસ્તાની અથવા ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની નાગરિક કેદીઓ અને માછીમારોની યાદી સોંપી છે. ૨૦૦૮ના દ્વિપક્ષીય કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ આવી યાદીઓની આપ-લે થાય છે.

વિદેશ કાર્યાલયે કહ્યું કે સરકારે ભારતમાં તેમની સજા પૂરી કરી ચૂકેલા તમામ પાકિસ્તાની કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા અને તેમને સ્વદેશ પરત લાવવા વિનંતી કરી છે. વિદેશ કાર્યાલયે કહ્યું કે સરકારના પ્રયાસોના ભાગ રૂપે ૨૦૨૩માં ૬૨ અને ચાલુ વર્ષમાં ચાર પાકિસ્તાની કેદીઓની વાપસી અત્યાર સુધીમાં સુનિશ્ચિત કરવામાં આવી છે.