પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પૂરપાટ વેગે જતું એક ટ્રેલર ટ્રક સાથે અથડાઈ જતા ચાર બાળકો સહિત સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. પોલીસે આ ગમખ્વાર અકસ્માતની જાણકારી આપી હતી.
આ દુર્ઘટના પ્રાંતીય રાજધાની કરાચીમાં એ સમયે સર્જાઈ જ્યારે ટ્રેલરે ટ્રકને યૂ-ટર્ન લીધા બાદ પાછળથી આવી રહેલી મિનિ બસ સાથે અથડાઈ હતી. એક સિનિયર અધિકારીએ કહ્યું કે મૃતકોમાં એકજ પરિવારનાં ચાર બાળકો અને બે મહિલાઓ સામેલ છે. તેઓ તમામ સમુદ્ર કિનારે ફરવા ગયા હતા. જે બસમાં પ્રવાસ કરી રહ્યા હતા તે ટ્રેલર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી.
જ્યારે આ દુર્ઘટના પછી ટ્રેલર ચાલક ઘટનાસ્થળથી પલાયન થઈ ગયો હતો. મૌરીપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં બીજા છ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાં બે બાળકો સામેલ છે. ઈમરજન્સી રિસપોન્સ ટીમે ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી મદદ આપી હતી અને મૃતકોને કાયદેસરની કાર્યવાહી બાદ કરાચી સિવિલ ખસેડયા હતા. સિંધના મુખ્યપ્રધાન મુરાદ અલી શાહે આ ઘટનામાં મોતને ભેટેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું. એક નિવેદન જાહેર કરી તેમને નજીકના ખાનગી અને સરકારી હોસ્પિટલોને તાકીદ કરી હતી કે ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર કરવામાં આવે.
સિંધના મુખ્યપ્રધાને સિંધના ડીજી પાસે આ ઘટનાને લઈ વિગતવાર રિપોર્ટ સોંવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત તેમને પોલીસને આવી દુર્ઘટનાઓ રોકવા કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. સિંધના મુખ્યપ્રધાન શાહે એક નિવેદનમાં કહ્યું કે જે વાહન ચાલક વ્યસ્ત માર્ગો પર પૂરપાટ વેગે વાહન ચલાવે છે તેઓના ડ્રાયવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ. પૂરપાટ ગતિએ વાહન ચલાવવાને લીધે પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને નિર્દોષ બાળકોનાં મોત થઈ રહ્યાં છે.