સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા કેસમાં એનસીબીની ટીમે ડ્રગ્સ એંગલને લઈને તપાસ હાથ ધરી છે. જેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક તેમજ તેના મિત્ર સહિતના ડ્રગ પેડલરોની ધરપકડ કરી છે. ત્યારે હવે રિયાની ધરપકડને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પશ્વિમ બંગાળના કોંગ્રેસના નેતાએ વિવાદીત નિવેદન કર્યું છે. રિયાને નિર્દોષ ગણાવીને તેમજ બિહારની ચૂંટણીના કારણે બલીનો બકરો બનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
સમગ્ર વિવાદમાં રિયા ચક્રવર્તીને નિર્દોષ ગણાવી
સુશાંત કેસમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી મામલે હવે રાજનીતિ તેજ બની છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ કોંગ્રેસની કમાન સંભાળનારા અધીર રંજન ચૌધરીએ સમગ્ર વિવાદમાં રિયા ચક્રવર્તીને નિર્દોષ ગણાવી. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે રિયા ચક્રવર્તી નિર્દોષ છે. રિયાને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવી રહી છે. રિયા ચક્રવર્તીને ફક્ત બિહારની ચૂંટણીઓને કારણે જ બલીનો બકરો બનાવવામાં આવી રહી છે.
અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સુશાંત કેસની તપાસ જરૂર થવી જોઇએ. પરંતુ કોઇ નિર્દોષને ગુનેગાર ન દર્શાવવા જોઇએ. સુશાંત આપણા સૌના પ્યારા હતા. તે ફક્ત બિહારના જ નહીં સમગ્ર ભારતના પુત્ર છે.
પરંતુ તેના મોત મામલે ફક્ત રિયા ચક્રવર્તીને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. જો સુશાંતની હત્યા થઇ છે તો તેના હત્યારાઓને કોઇ પણ સંજોગોમાં શોધવા જોઇએ. પરંતુ એક તરફ સીબીઆઇએ એમ કહે છે કે રિયાએ સુશાંતને આપઘાત કરવા મજબૂર કર્યો. બીજી તરફ સીબીઆઇ કહે છે કે રિયાએ ઘણા પૈસા હડપ કર્યા છે અને હવે તેઓ કહે છે કે રિયા નાર્કોટિક્સના મામલામાં સામેલ છે.