ઉત્તર કોરિયાએ ૨ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી અમેરિકા, જાપાનને જવાબ આપ્યો

અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના સંયુક્ત સૈન્ય અભ્યાસના જવાબમાં ઉત્તર કોરિયાએ આજે ૨ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરીને ખળભળાટ મચાવી દીધો છે. એવું નથી કે કિમ જોંગે આવો જવાબ પહેલીવાર આપ્યો છે. આ પહેલા પણ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ આ ત્રણેય દેશોના સંયુક્ત સૈન્ય અભ્યાસનો જવાબ સમાન તર્જ પર મિસાઈલ પરીક્ષણોથી આપતા રહ્યા છે. આ વખતે દક્ષિણ કોરિયાની સેનાએ માહિતી આપી છે કે ઉત્તર કોરિયાએ ૨ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યા છે. એક દિવસ પહેલા, ઉત્તર કોરિયાએ યુએસ, દક્ષિણ કોરિયા અને જાપાન દ્વારા તાજેતરના સંયુક્ત લશ્કરી અભ્યાસનો “આક્રમક અને બળવાન” જવાબ આપવાનું વચન આપ્યું હતું.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીસ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ ઉત્તર કોરિયાના જાંગ્યોન શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૦ મિનિટના અંતરે બે મિસાઈલો છોડવામાં આવી હતી. તેમણે કહ્યું કે પ્રથમ મિસાઈલે ૬૦૦ કિલોમીટર (૩૭૦ માઈલ) અને બીજી મિસાઈલે ૧૨૦ કિલોમીટર (૭૫ માઈલ)નું અંતર કાપ્યું હતું, પરંતુ મિસાઈલ ક્યાં પડી તે તેમણે જણાવ્યું ન હતું. ઉત્તર કોરિયા સામાન્ય રીતે તેના પૂર્વીય પાણી તરફ મિસાઇલનું પરીક્ષણ કરે છે, પરંતુ બીજી મિસાઇલ દ્વારા આવરી લેવામાં આવેલું અંતર આ પાણી સુધી પહોંચવા માટે પૂરતું ન હતું. દક્ષિણ કોરિયાના મીડિયાએ એક અનામી દક્ષિણ કોરિયાના સૈન્ય ોતને ટાંકીને જણાવ્યું હતું કે એવી સંભાવના છે કે બીજી મિસાઇલ ઉત્તર કોરિયાના આંતરિક ભાગમાં પડી હોય.

ઉત્તર કોરિયાની ધરતી પર સંભવિત નુક્સાન વિશે તાત્કાલિક કોઈ માહિતી નથી. અહેવાલો અનુસાર પ્રથમ મિસાઈલ ઉત્તર કોરિયાના પૂર્વીય શહેર ચોંગજિન નજીક પાણીમાં પડી હતી. દક્ષિણ કોરિયાના ‘જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ’એ આ મીડિયા અહેવાલો પર કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો અમેરિકી સેના સાથે મળીને જવાબ આપવા માટે દક્ષિણ કોરિયા મજબૂત રીતે તૈયાર છે. આ પ્રક્ષેપણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે આ ક્ષેત્રમાં દક્ષિણ કોરિયા, યુએસ અને જાપાનની બહુ-પ્રાદેશિક ત્રિપક્ષીય કવાયત ‘ફ્રીડમ એજ’ બે દિવસ પહેલા સમાપ્ત થઈ છે.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કવાયતની સખત નિંદા કરી અને યુએસ, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેની ભાગીદારીને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)નું એશિયન સંસ્કરણ ગણાવ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયા “આક્રમક અને બળવાન જવાબી પગલાં લઈને દેશની સાર્વભૌમત્વ, સુરક્ષા અને હિતોનું નિશ્ર્ચિતપણે રક્ષણ કરશે.”