એક વ્યક્તિ અમારા ગઠબંધનનો મુખ્યમંત્રીનો ચહેરો બની શકે નહીં,શરદ પવાર

લોક્સભાની ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજનીતિક હલચલ વધવા માંડી છે. મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શિવસેના (યુબીટી) કહે છે કે, એમવીએએ આગામી ચૂંટણી માટે મુખ્યમંત્રી પદનો ચહેરો રજૂ કરવો જોઈએ. ત્યારે એનસીપી એસપીના વડા શરદ પવારે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે, ગઠબંધનનો સામૂહિક ચહેરો હોવો જોઈએ.

શરદ પવાર કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાતચિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને એમવીએના મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજૂ કરવાની વાત કરી છે. ત્યારે પવારે જવાબ આપતા કહ્યું હતું કે, અમારું ગઠબંધનએ અમારો સામૂહિક ચહેરો છે. કોઈ એક વ્યક્તિ અમારા ગઠબંધનનો મુખ્યમંત્રીનો ચહેરો બની શકે નહીં. સામૂહિક નેતૃત્વ એ અમારું સૂત્ર છે. અમારા ત્રણ ગઠબંધનના સહયોગી સાથે આ અંગે ચર્ચા કરાશે અને ત્યારપછી નિર્ણય લેવામાં આવશે.

સંજય રાઉતે ૨૯ જૂને કહ્યું હતું કે એમવીએ દ્વારા મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે એમવીએ માટે મુખ્યમંત્રીપદના ચહેરા વગર મહારાષ્ટ્રની ચૂંટણીમાં જવું ખતરનાક થશે. અગાઉ તેમણે કહ્યું હતું કે ઠાકરેએ કોવિડ મહામારી દરમિયાન રાજ્યનું સંચાલન કર્યું હતું. લોકોએ ઉદ્ધવ ઠાકરેની લોકપ્રિયતાને કારણે એમવીએને મત આપ્યા હતા. ચહેરા વગર ચૂંટણીમાં જવાથી અમને ફાયદો નહીં થાય.

શરદ પવારે એમવીએ ગઠબંધનમાં ડાબેરી પક્ષોને સામેલ થવા કહ્યું હતું. પવારે તમામ ડાબેરી પક્ષો અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓને એમવીએમાં જોડાવાની સલાહ આપી છે. પવારે કહ્યું કે, તાજેતરની લોક્સભા ચૂંટણીમાં ભારતીય ખેડૂત અને મજૂર પક્ષ, આપ અને સામ્યવાદી પક્ષોએ અમારી મદદ કરી હતી. જો કે અમે અત્યારે એમવીએમાં ત્રણ પક્ષો સામેલ છીએ, પરંતુ અમારે આ તમામ પક્ષોનો સમાવેશ કરવો જોઈએ. બધા મોદી વિરોધીઓએ એમવીએનો સામેલ થવું જોઈએ.

એનસીપીના જયંત પાટીલે પણ મુખ્યમંત્રી પદને લઈને નિવેદન આપ્યું હતું. પાટીલે કહ્યું હતું કે એમવીએના સહયોગી પક્ષોએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાનપદના ઉમેદવારના નામની જાહેરાતથી દૂર રહેવું જોઈએ. તેના બદલે રાજ્યમાં સત્તા કઈ રીતે મેળવી શકાય તેના પર યાન આપવું જોઈએ.