પિતાના પૈસે મોબાઈલમાં મેચ જોનારા બેરોજગાર: સિંગર વિર્લ્ડકપના જીતના જશ્ન પર ભડકી

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની રોમાંચક ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને શનિવારે ૭ રનથી હરાવીને ૧૭ વર્ષ બાદ બીજી વખત ટી ૨૦ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતની આ જીત પર આખા દેશમાં જશ્ર્નનો માહોલ છે. પરંતુ હવે જીત પર જશ્ર્ન મનાવનારા પર ભોજપુરી સિંગર નેહા સિંહ રાઠોડ ભડકી ગઈ છે.

ભોજપુરી સિંગરે પોતાના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરી અને લખ્યું કે, બત્રીસ વર્ષની ઉંમરે પિતાના પૈસાથી ખરીદેલા મોબાઈલમાં નેટ પેક કરાવીને ક્રિકેટને પોતાનો ધર્મ ગણાવનારા બેરોજગાર તમે માત્ર દયાને પાત્ર છે. ક્રિકેટ અને હિન્દુ રાષ્ટ્ર જેવા મુદ્દાઓથી પોતાનું મનોરંજન કરશો? જ્યાં સુધી તમે અને તમારા જેવા લાખો યુવાનો બેરોજગાર રહેશે ત્યાં સુધી દેશ નહીં જીતશે.

તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, બ્રિટિશ શાસન અને તેના ગુલામ દેશોની આ રમતમાં દેશભક્તિ તલાશ કરનારા મારા ભાઈઓ તમે છેલ્લે હોકીની આખી મેચ ક્યારે જોઈ હતી? ભારતે સાત વિકેટે ૧૭૬ રનનો પડકારજનક સ્કોર બનાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના પડકારને આઠ વિકેટે ૧૬૯ રન પર અટકાવી દીધુ હતું.

હાર્દિક પંડ્યાએ ૨૦ રનમાં ત્રણ વિકેટ અને જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ ઝડપીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતે ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ હવે ૧૭ વર્ષ બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ફરી ટી ૨૦ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે.

ભારતની આ જીત બાદ આખા દેશમાં જશ્ર્ન મનાવવામાં આવ્યો. તમામે ટીમને વર્લ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. પરંતુ નેહા સિંહ રાઠોડને આ પસંદ નથી આવી રહ્યું. તેણે જશ્ર્ન મનાવનારને બેરોજગાર ગણાવી દીધા. હવે તેની આ સોશિયલ મીડિયા પોસ્ટની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.