કૌભાંડીઓથી ખદબદતું ગુજસેલ, અજય ચૌહાણ પછી પારુલ મનસત્તાને હટાવાયા

ગુજસેલમાં કૌભાંડોનો અંત લાગતો નથી. ભૂતપૂર્વ સીઇઓ અને કેપ્ટન અજય ચૌહાણના કૌભાંડ પછી સરકારે નવા નીમેલા સીઇઓ પારૂલ મનસતાએ પણ કૌભાંડો કર્યા હતા. તેના પગલે સરકારે તેમને પણ હટાવવાની ફરજ પડી છે.

કૌભાંડી અજય ચૌહાણને હટાવાયા પછી નીમાયેલા પારૂલ મનસતાએ કૌભાંડ કરીને સરકારને લગભગ દોઢથી બે કરોડમાં નવડાવી હોવાનું મનાય છે. તેની પાછળનું કારણ છે કે ચૂંટણી પૂરી થયા પછી સરકારી હેલિકોપ્ટર મેઇન્ટેનન્સ બાદ ઉડાન માટે તૈયાર હતું. આમ છતાં ગુજ સેલના સીઇઓ પારૂલ મનસતાએ ખાનગી કંપનીના હેલિકોપ્ટરને પ્રતિ કલાક લગભગ પાંચ લાખ રૂપિયાના ભાડે લીધું હતું. તેનો ખાસ ઉપયોગ પણ થયો ન તો. આમ છતાં પણ ખાનગી કંપનીને સરકારે દોઢથી બે કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેતા સરકારી તિજોરીને તેટલો ફટકો પડ્યો હતો.

આ ઉપરાંત ગુજરાતમાં લોક્સભાની ચૂંટણીના પ્રચાર માટે સીએમ અને રાજ્ય પાલને અનેક વખત સરકારી હેલિકોપ્ટર અને વિમાન ન મળવાની ઘટનાઓ બહાર આવી હતી. જો વિમાન કે હેલિકોપ્ટર હોય તો કેપ્ટન ન હોય તેવી ગંભીર બેદરકારીના લીધે સરકારે ઘણી વખત શરમમાં મૂકાવવું પડ્યું હતું. હજી પણ કેટલાક નિવૃત્ત અધિકારીઓ છે જેમના પર તલવાર લટકી રહી છે.

આમ રાજ્ય સરકારને ટોચના એક પછી એક અધિકારીઓ તેમની સત્તાનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. તેની સામે સરકારે ફક્ત તેમની બદલી કરીને જ સંતોષ માનવો પડી રહ્યો છે. સામાન્ય લોકોએ જો આવું કોઈ કૌભાંડ કર્યુ હોત તો તે અત્યારે જેલના સળિયા ગણતા થઈ ગયા હોત, પરંતુ સત્તાની રૂએ કૌભાંડ કરનારા આ અધિકારીઓને કોઈ પૂછનારુ નથી. આ અધિકારીઓને ખબર છે કે કાચના ઘરમાં રહેનારા લોકો બીજાના ઘરો પર પથ્થર મારી શક્તા નથી એ ન્યાયે તેઓ બિન્દાસ કૌભાંડ આચરે છે. સરકાર પાસે આ કૌભાંડી અધિકારીઓને ડામવાનો બદલી સિવાયનો કોઈ રાજદંડ નથી.