હાલોલમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી

હાલોલ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 59 મી.મી.વરસેલા વરસાદને લઈ નગરના કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થયા હતા. પંથકમાં આ સીઝનનો કુલ 166 મી.મી.વરસાદ નોંધાયો છે.

હાલોલ નગરમાં ગત શનિવારની બપોરથી મેઘરાજાનુ આગમન થતાં ગરમીથી ત્રાસી ગયેલા લોકોમાં ખુશી જોવા મળી હતી. ધરતીપુત્રો ખેતીલાયક વરસાદ થતાં ખેતી કામમાં જોતરાઈ ગયા હતા. નગરના કંજરી રોડ ઉપર ભુગર્ભ ગટરની કામગીરી બાદ રોડ પહોળો કરવા લાખોનો ખર્ચ કરી રોડની કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરીમાં ઈજારદારે ભારે વેઠ ઉતારી રોડ બનાવી દેવામાં આવતા રોડ ઉપર ગાબડા પડી ગયા છે. આ ઉપરાંત રોડની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ખાસ ગટર પણ કચરાથી જામ થઈ જતા અને વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી નહિ કરતા ઉમા સોસાયટીમાં ધુંટણસમા પાણી ભરાઈ જતાં આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહનચાલકો તો ઠીક પગે ચાલીને જવાનુ પણ મુશ્કેલ બન્યુ છે. આ ઉપરાંતત નગરમાં જુદા જુદા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં ભુગર્ભ ગટર માટે ખોદેલા ખાડાઓને લઈ વરસાદમાં માટી પહોળી થઈ જતાં કિચડ તેમજ ગંદકી થઈ છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરતા ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે.