- માણાવદરમાં એક જ રાતમાં ૮ ઈંચ વરસાદથી તબાહી,
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસુ જામ્યુ છે. વિતેલા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં નોંધાયો છે. તો આજે પણ વરસાદે તેની તોફાની બેટિંગ યથાવત રાખી છે. આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સાંબેલાધારે વરસાદ વરસ્યો છે. સવારના ૬થી ૮ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.બે કલાકમાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદને પગલે, ખંભાળિયા પાણી પાણી થઈ ગયું છે. ખંભાળિયામાં ખબકેલા ધોધમાર વરસાદના કારણે તેલી નદીમાં પૂર આવ્યું હતું. ધોધમાર વરસાદથી ખંભાળિયાના મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઠેર ઠેર ધસમસતા પાણી જોવા મળ્યા હતા. ખંભાળિયાના નગરગેટ, જોધપુરગેટ, સોનીબજાર સહિતના માર્ગોપર વરસાદી પાણી ફરી ફળ્યા હતા. ખંભાળિયાની સાથેસાથે ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ ચાલુ રાખી છે. આજે સવારે ૬થી ૮ સુધીના બે કલાકમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદની સાથે સાથે જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પણ બઘડાટી બોલાવી છે. વિસાવદર અને કાલાવડમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે, તો ધોરાજી, ઉપલેટા અને કલ્યાણપુરમાં સવારે ૬થી ૮ સુધીના બે કલાકમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગરના ગ્રામ્યવિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. કાલાવડ તાલુકાના નવાગામ, મોટીવાવડી, ધૂનધોરાજી, ભંગડા, ટોડા, ફગાસ, અરલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ધોધમાર વરસાદને પગલે, સ્થાનિક નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે કલાકમાં આશરે ૩ ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સવાર સુધીમાં ૮ ઇંચ વરસાદ પડતા માણાવદર શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરલો થઈ ગયો છે. જ્યારે માણાવદરના ગોકુળ નગર, અમૃત નગર, ગીરીરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માહિતી અનુસાર,ગિરનાર પર્વત પર ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરલો થયો છે.ગતમોડી રાત્રીથી જ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે.ગિરનાર પર્વત ઉપર હજુ પણ ધોધમાર વરસાદ શરૂ છે.ભારે વરસાદને કારણે જુનાગઢના (૧) સમેગા -કોડવાવ રસ્તા પર સમેગા તળાવનું પાણી ભરાયેલા હોય હાલમાં રસ્તો બંધ છે.(૨) કોયલાણા – કોઠડી ઓજત નદીનું પાણી આવતા હાલ બંધ થયેલ છે. (૩)બૉડકા – પીપલાણા ઓજતનું પાણી આવતા હાલ રસ્તો બંધ છે. અવર જવર ના કરવા વિનંતિ.
રાજ્યમાં અત્યારે કુલ ૧૪ માર્ગો બંધ કરવાની ફરજ પડી છેે. રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે પંચાયત હસ્તકના ૧૨ માર્ગ અને અન્ય બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે. તો સુરતમાં ૬, પોરબંદરમાં બે માર્ગ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર ભાવનગર એક એક માર્ગ બંધ કરાયો છે. રાજ્યમા ૯ જીલ્લામા એનડીઆરએફ ટીમ તૈનાત કરવામા આવી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત જીલ્લામા એક એક ટીમ તૈનાત કરાઈ છે.
હવામાન ખાતાની આગાહીને પગલે સાર્વત્રિક મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈને અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેચ, તલંગણા સહિતના ગામોમાં રાત્રિના ૧૨:૦૦ વાગ્યાથી સવારના ૦૭:૦૦ વાગ્યા સુધીમાં ૪ થી ૬ ઇંચ વરસાદ જોવા મળ્યો છે. લાઠ ગામે પડેલા ભારે વરસાદને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ સંપર્ક વિહોણું થયું છે. માણાવદર તાલુકાના ભિડોરા અને ઇન્દ્રા ગામથી આવતી ઉપલેટા બસ લાઠ ગામે ફસાઈ છે.
જેથી ભિડોરા, ઇન્દ્રા, ભીમોરા અને લાઠથી ઉપલેટા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ લાઠ ગામે રોકાવાની ફરજ પડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને લઈને ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયુ છે. લાઠ ગામથી ઉપલેટા તરફનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સમગ્ર રાજ્ય વરસાદથી ભીંજાઈ ગયું છે. રોડ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયાં છે. લોકોને ગરમી અને ઉકળાટથી મુક્તિ મળી મળી છે. તેમજ વાતવરણ ટાઢું બોળ થયું છે. ગીર સોમનાથનાં ઉના તથા ગીરગઢડા તાલુકામાં વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યાં હતાં તેનો અંત આવ્યો છે. આથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.