ભારત દેશના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને નોકરી મેળવવા માટે વર્ષો સુધી તપશ્ર્ચર્યા કરતા હોય છે અને છેલ્લી ઘડીએ પરીક્ષાખંડમાં જાય ત્યારે ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે અને કાં તો પરીક્ષા મોકૂફ થાય છે અથવા તો રદ થાય છે. અને ત્યારબાદ તારીખ પર તારીખનો સિલસિલો ચાલતો રહે છે. ક્યારેક પરીક્ષા લેવાઈ ગયા બાદ રદ થઈ જાય છે, તો ક્યારેક પરિણામ આવી ગયા બાદ સમગ્ર ભરતી-પ્રક્રિયા રદ થઈ જાય છે. એનું કારણ એ છે કે કેટલાંક મુઠ્ઠીભર કૌભાંડીઓ ષડયંત્ર રચે છે. કરોડો રૃપિયાની કમાણી કરવાની લ્હાયમાં તેઓ નિર્દોષ યુવાનોની કારકિર્દીને હોડમાં મૂકીને કેટલાક ગરજવાન નોકરીવાંચ્છુઓને પોતાની માયાજાળમાં ફસાવીને રોકડી કરી નાખે છે.
ત્યારે હકીક્ત એ છે કે કમ સે કમ ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ માટે કુલ સવા લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જે પૈકી ૫૫ હજાર બેઠકો સરકારી કૉલેજોની છે. જ્યારે બાકીની ૭૦ હજાર બેઠકો ખાનગી સંસ્થાઓની છે કે જ્યાં નફાખોરી ચાલતી હોય છે. દા.ત. સરકારી કૉલેજોમાં પ્રવેશ મળે તો વિદ્યાર્થીને દર વર્ષે ૫૦ હજારથી લાખ રૃપિયા એટલે કે પાંચ વર્ષમાં પાંચથી સાત લાખ રૃપિયામાં શિક્ષણની ફી ભરીને એક આશાસ્પદ યુવાન ડૉક્ટર બની શકે છે. હોસ્ટેલ અને અન્ય ખર્ચા અલગ થતા આ ખર્ચ સામાન્ય પરિવારને પોસાય તેમ છે. જ્યારે ખાનગી મેડિકલ કૉલેજોમાં ફીનું પ્રમાણ ૩૦ લાખથી ૩ કરોડ સુધી પહોંચી જાય છે. અલબત્ત, માલેતુજાર વર્ગ ફી ઉપરાંત એક કે બે નંબરમાં ડોનેશન કે એનઆરઆઈ કે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવી શકે છે. અલબત્ત, આ તમામ પ્રક્રિયા એક સિસ્ટમ આધારિત છે. અને મોટેભાગના પ્રવેશ નીટમાં મેળવેલા સ્કોર આધારિત હોય છે. ૨૦૧૬થી સમગ્ર દેશમાં નીટ આધારિત મેડિકલ કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિ શરૃ થઈ છે.
આ પરીક્ષાપદ્ધતિમાં અત્યાર સુધી ગેરરીતિના આક્ષેપો થતા હતા. પરંતુ આ વખતે પાક્કા પાયે ગેરરીતિઓ પકડાઈ રહી છે અને હવે શંકા એવી જાય છે કે ટોપ ટુ બોટમ સુધી સંડોવણી ન હોય તો આ પ્રકારનાં કૌભાંડ શક્ય જ નથી. ઉદાહરણ તરીકે નીટની પરીક્ષાની જાહેરાત ૯ ફેબ્રુઆરીએ થઈ અને ૯મી માર્ચ સુધીમાં ફોર્મ ભરવાની આખર તારીખ હતી, છતાં પણ આ તારીખ ચાર વખત લંબાવવામાં આવી. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને કેન્દ્ર બદલવાની પણ છૂટ મળી ગઈ.
દા.ત. ગુજરાતના ગોધરા ખાતે ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, બિહારના યુવાનો પરીક્ષા આપવા આવી પહોંચ્યા, કારણ કે તેઓને વડોદરા ખાતેની એક એજન્સીએ લાખો રૃપિયા લઈને નીટમાં પાસ કરાવવાની ગેરન્ટી આપી હતી? તપાસમાં અત્યારે જે માહિતી મળી રહી છે એ અનુસાર વડોદરાની એક કન્સલ્ટન્સી કંપનીએ નીટમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓને એડવાન્સમાં રૃપિયા લઈને લલચાવ્યા હતા અને તેઓની મોડસ ઓપરેન્ડી એ હતી કે વાલીઓ પાસેથી રૃપિયા લઈને પરીક્ષા કેન્દ્રો પર સુપરવાઇઝર અને ડેપ્યુટીને ફોડી નાખી પરીક્ષા પૂરી થાય ત્યારબાદ વિદ્યાર્થીઓ જતા રહે ત્યારે જે વિદ્યાર્થીઓ પાસેથી રૃપિયા લીધા હોય તેઓના પેપરમા પોતાની જાતે સાચા ઉત્તરો લખી દેવાતા હતા?
કમનસીબે દેશના યુવાધનની કારકિર્દી સાથે ચેડાં કરનારા કૌભાંડીઓને કોઈ નીતિ-નિયમો કે નૈતિક્તા નડતી નથી. એ પ્રક્રિયામાં લાખ્ખો વિદ્યાર્થીઓને અન્યાય કરી નાખે છે. પરંતુ આ વર્ષે તેમનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે ત્યારે હવે સમયનો તકાદો છે કે લાખ્ખો વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ હેતુથી દાખલો બેસે એવી સજા સાથે નીટ મામલે નવો નિર્ણય થવો જોઈએ.