ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતીય ટીમે ૧૭૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં આફ્રિકન ટીમ માત્ર ૧૬૯ રન જ બનાવી શકી અને ખિતાબ ગુમાવવો પડ્યો.
આ મેચમાં એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે ભારતીય ટીમના હાથમાંથી ખિતાબ સરકી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ એવી ૫ ક્ષણો આવી જ્યારે ભારતીય ટીમે પૂરી તાકાત લગાવી અને બાજી પલટી નાખી. સૂર્યકુમાર યાદવનો કેચ હોય કે જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાદક પંડ્યાની બોલિંગ હોય. ચાલો જાણીએ તે ૫ કારણો જેનાથી ભારતીય ટીમે બાજી પલટી…
ફાઇનલમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૩૪ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પછી એવું લાગતું હતું કે ટીમ કદાચ જલ્દી ધરાશાયી ન થઇ જાય તો સારું. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અક્ષર પટેલને શિવમ દુબે, હાદક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાથી પણ ઉપર પાંચમા નંબરે મોકલ્યો અને તેની ચાલ એકદમ અસરકારક સાબિત થઈ.
ક્રિઝ પર રહેલા વિરાટ કોહલીએ પહેલેથી જ ચાર્જ સંભાળી લીધો હતો. ત્યારબાદ તેણે અક્ષર સાથે મળીને ચોથી વિકેટ માટે ૭૨ રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. કોહલીએ ૪૮ બોલમાં ફિટી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ ફિટી હતી. કોહલીએ ૫૯ બોલમાં કુલ ૭૬ રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર ૩૧ બોલમાં ૪૭ રન બનાવીને આઉટ થયો હતો. જેના કારણે ભારતીય ટીમે ૭ વિકેટે ૧૭૬ રનનો મેચ વિનિંગ સ્કોર બનાવ્યો હતો.
૧૭૭ રનના ટાર્ગેટના જવાબમાં આફ્રિકન ટીમ ઘણી વખત મેચ પર કબજો કરતી જોવા મળી હતી અને ઘણી વખત મેચ હારતી પણ જોવા મળી હતી. પરંતુ જ્યારે હેનરિક ક્લાસેન ક્રિઝ પર આવ્યો ત્યારે સ્થિતિ અલગ જ દેખાઈ. ક્લાસેને ૨૭ બોલમાં ૫૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ૫ સિક્સર અને ૨ ફોર ફટકારી હતી. ક્લાસેનની ઇનિંગની મદદથી આફ્રિકાની ટીમે ૧૫ ઓવરમાં ૪ વિકેટે ૧૪૭ રન બનાવ્યા હતા.
ત્યારે દ.આફ્રિકાને જીતવા માટે ૩૦ બોલમાં માત્ર ૩૦ રનની જરૂર હતી અને તેની ૬ વિકેટ બાકી હતી. ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર સ્થિર હતા. પરંતુ ૧૬મી ઓવરમાં જસપ્રીત બુમરાહે માત્ર ૪ રન આપ્યા જેના કારણે દબાણ સર્જાયું. ત્યારબાદ ૧૭મી ઓવરના પહેલા જ બોલ પર હાદક પંડ્યાએ ક્લાસેનને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ અહીંથી સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આફ્રિકન ટીમ દબાણમાં આવી ગઈ.
ક્લાસેનની વિકેટ પડ્યા બાદ પંડ્યા, બુમરાહ અને અર્શદીપે એવું દબાણ ઊભું કર્યું કે આફ્રિકાની ટીમ ખરાબ રીતે વિખેરાઈ ગઈ. પંડ્યાએ ૧ વિકેટ લીધી અને ૧૭મી ઓવરમાં માત્ર ૪ રન આપ્યા. ત્યારબાદ બુમરાહે ૧૮મી ઓવર નાખી અને માર્કો જેન્સનને પોતાનો શિકાર બનાવ્યો. તેણે ૧ વિકેટ લીધી અને ૨ રન આપ્યા. ૧૯મી ઓવર ઘણી ખાસ હતી જેમાં અર્શદીપ સિંહે માત્ર ૪ રન આપ્યા હતા. અહીંથી જ ભારતની જીતનો પાયો નંખાયો હતો.
આ પછી છેલ્લી ઓવરમાં આફ્રિકન ટીમને જીતવા માટે ૧૬ રનની જરૂર હતી. પરંતુ સુકાની રોહિતે ઝડપી બોલિંગ માટે પંડ્યાનો છેલ્લો વિકલ્પ હતો. તેણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો, જેના પર પંડ્યા ખરો ઉતર્યો. આ છેલ્લી ઓવરમાં તેણે એક વિકેટ લીધી હતી. ખતરનાક ખેલાડી ડેવિડ મિલર તેનો શિકાર બન્યો હતો. તેમજ આ ઓવરમાં કુલ ૮ રન આપ્યા અને ભારતને ચેમ્પિયન બનાવ્યું.
જો આપણે ભારતની આ જીતની વાત કરીએ અને સૂર્યકુમાર યાદવના કેચની વાત ન કરીએ તો અન્યાય થશે. જ્યારે પંડ્યા છેલ્લી ઓવર નાખવા આવ્યો ત્યારે મિલર ક્રિઝ પર હતો, જે ૨૧ રન બનાવીને રમી રહ્યો હતો. મિલરે પહેલા જ બોલ પર લોંગ ઓફ પર બાઉન્ડ્રી તરફ એરિયલ શોટ માર્યો હતો. પરંતુ સૂર્યા ત્યાં દોડતો આવ્યો અને શાનદાર કેચ પકડ્યો. સૂર્યાએ બાઉન્ડ્રીની અંદર બોલને કેચ કરીને હવામાં ફેંક્યો. પછી તે ફરીથી મેદાનમાં આવ્યો અને તેને પકડી લીધો. જેણે પણ આ જોયું તેના દાંત કચકચાવી દીધા. આ તે કેચ હતો જેણે મિલરને પકડ્યો અને ભારતની જીતના દરવાજા ખોલી દીધા.